નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ક્યાંય ક્રિકેટ નથી રમાઇ રહી, ભારતીય ટીમ સહિતની બધી ટીમો પોતાના ઘરોમાં કેદ છે. આમ છતાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમને ટૉપનુ સ્થાન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે ઓસ્ટ્રેલિયા નવી ટેસ્ટ નંબર વન ટીમ જાહેર થઇ છે.


આઇસીસીના તાજા રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમ પ્રથમ નંબરનુ સ્થાન ગુમાવી દીધુ છે, અને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ નંબરનુ સ્થાન હાંસલ કરી દીધુ છે. 2016 બાદ ભારત પહેલીવાર ટૉપ પરથી નીચે ખસકી ગયુ છે.



આઇસીસીએ વાર્ષિક અપડેટ અંતર્ગત શુક્રવારે 1 મેએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી, જેમં ભારતીય ટીમ પહેલા સ્થાન પરથી ખસકીને 114 પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગઇ છે. ઓસ્ટ્રેલિયા 116 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 115 પૉઇન્ટ સાથે બીજા નંબર પર પહોંચી ગઇ છે.



આઇસીસી તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, તાજા અપડેટમાં 2016 સુધીના પરિણામોને હટાવી દેવામાં આવ્યા છે, અને ત્યારબાદના પરિણામોના આધારે રેન્કિંગ તૈયાર થઇ છે.

બીજીબાજુ જોઇએ તો ભારતીય ટીમ હાલ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટૉપ પર છે. ભારતે 4 સીરીઝ રમી છે, જેમાં માત્ર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક સીરીઝ જ હારી છે, અત્યાર સુધી ભારતીય ટીમના 360 પૉઇન્ટ છે.