નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ આ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયંટે (Delta Plus Varinat) ચિંતા વધારી દીધી છે. જેને લઈ થોડા મહિના બાદ ભારતમાં યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડકપના (ICC T20 World Cup) આયોજન પર પણ કાળા વાદળ છવાયા છે. આ દરમિયાન બીસીસીઆઈના સેક્રેટરી (BCCI Secretary) જય શાહે (Jay Shah) ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેર ટી-20 વર્લ્ડકપને ભારતના બદલે યુએઈમાં ખસેડી શકીએ છીએ. અમે સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. અમારી માટે ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સલામતી પ્રથમ છે. અમે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લઈશું.


કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે, આઇસીસીએ પોતાની રીતે જ ટુર્નામેન્ટને મીડલ ઈસ્ટમાં યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલના તબક્કે આઇસીસીએ જે પ્રકારે આયોજન કરી રાખ્યું છે તે અનુસાર ટી-૨૦ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં ટીમોને બે ભાગમાં વહેંચી નાંખવામાં આવશે અને તેની મેચો યુએઈ અને ઓમાનમા રમાશે.




ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં આ ટીમો પણ ભાગ લેશે


પ્રથમ રાઉન્ડમાં ૧૨ મેચો રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં બંને ગ્રુપમાં ટોચના બે સ્થાન પર રહેનારી ચાર ટીમો સુપર-૧૨માં ક્વોલિફાય થશે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવા દેશો ભાગ લેશે. તેઓ  રેન્કિંગમાં ટોચના આઠ સ્થાન પર રહેલી ટીમોની સાથે સુપર-૧૨માં જોડાશે.


સુપર-૧૨માં કુલ ૩૦ મેચો રમાશે


ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ ખરાખરીનો મુકાબલો શરૃ થશે. જેમાં ટોચની આઠ ટીમો અને ક્વોલિફાયર થયેલી ચાર ટીમો એમ કુલ ૧૨ ટીમો હશે. આ ટીમો વચ્ચે કુલ ૩૦ મુકાબલા ખેલાશે. જેનો પ્રારંભ તારીખ ૨૪મી ઓક્ટોબરથી થશે. આઇસીસી સુપર-૧૨માં પ્રવેશેલી ટીમોને છ-છના બે ગૂ્રપમાં વહેંચી નાખશે. આ ટીમો યુએઈ, અબુ ધાબી અને શારજાહમાં ગૂ્રપ સ્ટેજના મુકાબલા રમશે. જે પછી બે સેમિ ફાઇનલ અને ફાઈનલનું આયોજન થશે.