ICC T20 Ranking: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ T20 ઈન્ટરનેશનલમાં બેટ્સમેન અને બોલરોનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરને ફાયદો થયો છે. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરની ભારતીય મધ્યમ ક્રમની જોડી વેસ્ટ ઈન્ડિઝ સામેના તેમના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે બુધવારે બહાર પાડવામાં આવેલી ICC પુરુષોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં અનુક્રમે 21મા અને 115મા સ્થાને પહોંચી ગઈ છે.
ભારતે વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઇટ વોશ કર્યો તેમાં બંને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ શ્રેણીમાં સૂર્યકુમાર ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો જ્યારે વેંકટેશ ઐયર બીજા ક્રમે રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે સૂર્યકુમાર 35 સ્થાનની છલાંગ લગાવીને 21મા સ્થાને પહોંચ્યો હતો જ્યારે અય્યર 203 સ્થાનની છલાંગ લગાવીને 115મા સ્થાને પહોંચ્યો હતો.
કોહલી 10મા ક્રમે યથાવત
કેએલ રાહુલ બે નંબર સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે જ્યારે સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીએ બેટ્સમેનોની યાદીમાં તેનું 10મું સ્થાન જાળવી રાખ્યું છે. બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં કોઈ પણ ભારતીય ખેલાડી ટોપ 10માં નથી. વેસ્ટ ઈન્ડિઝ માટે બેટથી શાનદાર પ્રદર્શન કરનાર એકમાત્ર ખેલાડી નિકોલસ પૂરન પાંચ સ્થાન આગળ વધીને 13માં નંબરે છે.
ટોપ-2 પર બે પાકિસ્તાની
ટોપ-10 બેટ્સમેનોમાં બાબર આઝમ નંબર વન અને મોહમ્મદ રિઝવાન બીજા નંબરે છે. જ્યારે એડન માર્કરામ ત્રીજા, ડેવિડ મલાન ચોથા અને ડેવોન કોનવે પાંચમા નંબરે છે. બોલરોમાં તબરેઝ શમ્સી પ્રથમ, જોશ હેઝલવુડ બીજા અને આદિલ રાશિદ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પણ રેન્કિંગ પર અસર પડી છે. ઓસ્ટ્રેલિયાનો એશ્ટન અગર બોલરોની ટોચની 10 રેન્કિંગમાં પ્રવેશવામાં સફળ રહ્યો છે અને હાલમાં તે નવમા ક્રમે છે.