IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ગુરુવારથી T20 સીરિઝ રમાશે. ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ માટે રવિન્દ્ર જાડેજાને પણ તક આપી છે. ઈજામાંથી સાજા થયા બાદ બે મહિના બાદ ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પ્રેક્ટિસ સેશન બાદ કહ્યું હતું કે દેશ માટે ફરીથી રમવું ખૂબ જ શાનદાર લાગણી છે. ઘૂંટણની ઈજાને કારણે જાડેજા દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે શ્રેણી રમી શક્યો ન હતો. તે નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
જાડેજાએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પોસ્ટ કરેલા એક વિડિયોમાં કહ્યું કે, “ભારતીય ટીમમાં પરત ફરીને સારું લાગે છે. ખરેખર T20 અને ટેસ્ટ શ્રેણીમાં રમવા માટે ઉત્સુક છું. હું બે મહિના પછી આખરે ભારત માટે રમીને ખૂબ જ સારું અનુભવી રહ્યો છું.33 વર્ષીય ઓલરાઉન્ડરે કહ્યું કે તેણે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં તેની ફિટનેસ પર સખત મહેનત કરી. જાડેજાએ કહ્યું, “હું NCAમાં મારી ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો હતો. હું આ શ્રેણી માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું બે મહિનાથી વધુ સમય પછી રમી રહ્યો છું. મેં બેંગ્લોરમાં બોલિંગ અને બેટિંગની પ્રેક્ટિસ કરી, તેથી હું તૈયાર છું. આજે હું મારા પ્રથમ પ્રેક્ટિસ સત્ર પછી ખૂબ જ સારું અનુભવું છું."
ગુરુવારથી શરૂ થનારી T20 શ્રેણી બાદ ભારત શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ ટી20 મેચ લખનૌમાં રમાશે. આ પછી બીજી અને ત્રીજી ટી-20 ધર્મશાળામાં રમાશે.