એશિયા કપમાં બુધવારે ભારતનો સામનો હોંગકોંગ સામે થશે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિકને આ શાનદાર પ્રદર્શન માટે ઈનામ પણ મળ્યું છે, તે ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ-5માં સામેલ થઈ ગયો છે.






ICC દ્વારા બુધવારે નવી T20 રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની યાદીમાં પાંચમા નંબર પર છે. પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં જોરદાર પ્રદર્શનથી હાર્દિક પંડ્યાને આઠ સ્થાનનો ફાયદો થયો છે. હાર્દિક પંડ્યાની કારકિર્દીની આ સર્વશ્રેષ્ઠ T20 રેન્કિંગ છે.


હાર્દિક પંડ્યાની રેટિંગ વધીને 167 થઈ ગઈ છે, તે T20 ઓલરાઉન્ડરોની ટોપ-10 યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરૂદ્ધ ત્રણ વિકેટ લેવાની સાથે 33 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.


જો આપણે T20ની અન્ય રેન્કિંગ પર નજર કરીએ તો ભારતના સૂર્યકુમાર યાદવ બેટ્સમેનોની યાદીમાં સામેલ છે, જે ત્રીજા નંબર પર છે. જ્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ T20માં નંબર-1 બેટ્સમેન છે. જ્યારે બોલરોની યાદીમાં ભારતનો ભુવનેશ્વર કુમાર 661 રેટિંગ સાથે 8માં નંબર પર છે. જો ટીમ રેન્કિંગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા T20 રેન્કિંગમાં નંબર-1 પર છે, જ્યારે ભારત નંબર 2 પર છે. જો પાકિસ્તાનની વાત કરીએ તો તે ટોપ 5માં પણ નથી અને છઠ્ઠા સ્થાને છે.


હાર્દિક પંડ્યા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો


T20 વર્લ્ડ કપ 2021માં તેના ખરાબ પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યાની ટીકા થઈ હતી, ત્યાર બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો પરંતુ હવે તે ટીમનો મેચ વિનર બની ગયો છે. IPL 2022માં હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી અને ટીમને ચેમ્પિયન બનાવી.


જે બાદ તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને સતત ઘણી મેચોમાં તે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. આવી સ્થિતિમાં હવે એશિયા કપ બાદ ટીમ ઈન્ડિયાની નજર T20 વર્લ્ડ કપ પર ટકેલી છે, જેમાં હાર્દિક પંડ્યા સૌથી મોટો ગેમ ચેન્જર બની શકે છે.