ICC T20 વર્લ્ડ કપ 2022 ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાવા જઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટના પ્રથમ ત્રણ દિવસમાં જ કેટલીક ટીમો ખેલાડીઓની ઇજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે. એશિયન ચેમ્પિયન શ્રીલંકાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. બીજી તરફ ઈંગ્લેન્ડ અને યુએઈએ એક-એક ખેલાડી રિપ્લેસ કર્યા છે. ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીએ આ ચાર ખેલાડીઓની રિપ્લેસ કરવાની મંજૂરી આપી દીધી છે.






શ્રીલંકાની ટીમમાં રજિતા-બંડારા


ઈજાગ્રસ્ત દુષ્મંતા ચમીરાના સ્થાને ઝડપી બોલર કાસુન રજિતાને શ્રીલંકાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડાબા પગમાં ઈજાને કારણે ચમીરા બહાર થઈ ગયો છે. રજિતા હાલમાં શ્રીલંકામાં છે અને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. શ્રીલંકાના ધનુષ્કા ગુણાથિલક પણ ડાબા પગમાં ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ગુણાથિલકના સ્થાને ટીમના રિઝર્વ ખેલાડી અશેન બંડારાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


ચમીરા સારા ફોર્મમાં હતો અને તેણે યુએઈ સામે 3 વિકેટ ઝડપી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે રીસ ટોપ્લીના બદલે ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સને ટીમમાં સામેલ કર્યો છે. ટોપ્લીને પગમાં ઇજા થઇ હતી. સંયુક્ત આરબ અમીરાતની ટીમમાં રિઝર્વ ખેલાડી ફહદ નવાઝ ઇજાગ્રસ્ત જવાર ફરીદનું સ્થાન લેશે.






ICC મંજૂરી જરૂરી


T20 વર્લ્ડ કપની ટીમમાં કોઈપણ ખેલાડીને બદલવા માટે ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીની મંજૂરી જરૂરી છે, તે પછી જ ખેલાડીને સત્તાવાર રીતે ટીમમાં સામેલ કરી શકાય છે. નામિબિયા સામેની શરમજનક હાર બાદ શ્રીલંકાએ UAEને હરાવીને સુપર-12માં પહોંચવાની આશા જીવંત રાખી હતી. હવે નેધરલેન્ડ સામે જીતીને તે સુપર 12માં પહોંચવા માંગશે. ઇંગ્લિશ ટીમની વાત કરીએ તો તે સુપર-12 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ હતી.


16 ટીમો પ્રયાસ કરી રહી છે


T20 વર્લ્ડ કપ 2022 કુલ ત્રણ તબક્કામાં રમાઈ રહ્યો છે, જેમાં રાઉન્ડ 1, સુપર-12 અને પ્લેઓફ મેચોનો સમાવેશ થાય છે. 16 ટીમોમાંથી 8 ટીમો ગ્રૂપ-12 સ્ટેજ માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યારે બાકીની 4 ટીમો ક્વોલિફિકેશન રાઉન્ડ જીતીને પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.ક્વોલિફિકેશન રાઉન્ડમાં 4-4 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જેમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ-2 ટીમ સુપર 12 સ્ટેજમાં પહોંચશે. ત્યારપછી સુપર-12 તબક્કામાં 6-6 ટીમોના બે ગ્રૂપ હશે જેમાં તેમના ગ્રુપમાં ટોપ-2 ટીમો સેમીફાઈનલમાં પ્રવેશ કરશે.