ICC Women’s World Cup 2022: આઈસીસી મહિલા વર્લ્ડકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો રમાયો હતો. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રતમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 269 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ 30.2 ઓવરમાં 128 રનમાં તંબુ ભેગી થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 141 રનથી ભવ્ય વિજય થયો હતો.


આ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. મહિલા ખેલાડીઓની ફિટનેસની આલોચના કરતાં જો આ કેચ જોવે તો કદાચ તેમને પોતાના શબ્દો પાછા ખેંચવા પડે. ઓસ્ટ્રેલિયાની ફિલ્ડર બેથ મૂનીએ સ્લિપમાં શાનદાર ડાઈવ લગાવીને જે અંદાજમાં કેચ પકડ્યો તેની નોંધ આઈસીસીએ પણ લીધી છે અને વીડિયો પોસ્ટ કર્યો છે.


ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં છઠ્ઠી ઓવરમાં બીજી સ્લિપમાં ફિલ્ડિંગ કરતી મૂનીએ તેની જમણી બાજુ હવામાં લગભગ બે મીટર લાંબી છલાંગ લગાવીને કેચ પક્ડયો હતો. ન્યૂઝીલેન્ડની બેટ્સમેન અમેલિયા કેરએ બહાર જતાં બોલ પર ડ્રાઇવ લગાવવાની કોશિશ કરી હતી પરંતુ બોલ બેટની કિનારીને અડીને ત્રીજી સ્લિપ તરફ જતો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લાંબી છલાંગ લગાવીને કેચ પકડી તમામને હેરાન કરી દીધા હતા.


આ કેચનો વીડિયો આઈસીસીએ તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શન આપ્યું છે ‘આઉટસ્ટેન્ડિંગ કેચ બાય બેથ મૂની, વન હેંડિડ ટૂ ડિસમિસ અમેલી કૈર’. મૂની મહિલા બિગ બેશ લીગ ટીમ બ્રિસ્બેન હીટ માટે રમે છે.