IND W vs AUS W:
નબળી શરૂઆત બાદ કેપ્ટન મિતાલી રાજે સંભાળી ઈનિંગ
ભારતે ઓસ્ટ્રેલિયા સામે 278 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે આજે ટીમ ઈન્ડિયા તરફથી ઘણી શાનદાર ઈનિંગ્સ જોવા મળી હતી. ભારતે 28 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના 10 રન અને શેફાલી વર્મા 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સુકાની મિતાલી રાજે યાસ્તિકા ભાટિયા સાથે મળીને ઇનિંગ સંભાળી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 154 બોલમાં 130 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન મિતાલીએ વનડે કારકિર્દીની 63મી અને યાસ્તિકાએ કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી.
મિડલ ઓર્ડર ફ્લોપ
અડધી સદી ફટકાર્યા બાદ યસ્તિકા વધુ સમય સુધી મેદાન પર ટકી શકી નહોતી. તે 83 બોલમાં 59 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિતાલી 96 બોલમાં 68 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. મિતાલી અને હરમનપ્રીતે 28 રનની ભાગીદારી પણ કરી હતી. રિચા ઘોષ (8) અને સ્નેહ રાણા (0) ખાસ કરી શક્યા ન હતા.
વાઇસ કેપ્ટનની શાનદાર ઈનિંગ
આ પછી વાઇસ-કપ્તાન હરમનપ્રીતે પૂજા વસ્ત્રાકર સાથે મળીને ભારતને 250 રનની પાર પહોંચાડી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 46 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી. દરમિયાન, હરમનપ્રીતે તેની ODI કારકિર્દીની 15મી અડધી સદી ફટકારી હતી. પૂજા ભારતીય ઇનિંગ્સના છેલ્લા બોલ પર રન આઉટ થઈ હતી. તેણે 28 બોલમાં એક ફોર અને બે સિક્સરની મદદથી 34 રન બનાવ્યા હતા. હરમનપ્રીત 47 બોલમાં 57 રન બનાવીને અણનમ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.