સ્પોર્ટસ: દરેક ક્રિકેટ ફેન્સ આઈપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આઈપીએલ સિઝન 15ની શરૂઆત 26 માર્ચથી થશે અને 29ના રોજ પૂર્ણ થશે. આ વખતની આઈપીએલ ખાસ છે કારણ કે આ વખતે 10 ટીમો ભાગ લઈ રહી છે.જેમા ગુજરાત અને લખનૌની ટીમો પહેલીવાર મેદાનમાં ઉતરશે. ટીમની સંખ્યા વધવાથી મેચોની સંખ્યામાં પણ વધારો થયો છે. હવે મેચની સંખ્યા વધી છે તો સ્વાભાવિક છે કે ક્રિકેટ રસીકોને ચોગ્ગા અને છગ્ગાની રમઝટ વધું જોવા મળશે. દરેક સિઝનની જેમ આ વર્ષે પણ આઈપીએલના ધૂરંધર બેટ્સમેનો ફેન્સનું મનોરંજન કરતા જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો આઈપીએલમાં માત્ર ત્રણ જ એવા ખેલાડી છે જેમણે એક ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા છે.


ક્રિસ ગેલનો દબદબો


આઈપીએલના ઈતિહાસમાં સૌથી પહેલા એક ઓવરમાં 5 છગ્ગા મારવાનું કારનામું વેસ્ટ ઈન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે કર્યું હતું. તેમણે 2012માં પૂણે વોરિયર્સની સામે આ પરાક્રમ કર્યું હતું. ક્રિસે પૂણેના બોલર રાહુલ શર્માની ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા. તેમણે તેની પારીમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં ક્રિસે 48 બોલમાં 81 રન ફટકાર્યા હતા.  આ મેચમાં બેગ્લોરની ટીમનો છ વિકેટે વિજય થયો હતો.


રાહુલ તેવટિયા પણ કરી ચૂક્યો છે પરાક્રમ


પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 2020માં રમાયેલી આ મેચને આઈપીએલ ઈતિહાસની રોમાંચક મેચમાં ગણવામાં આવે છે. આ મેચમાં પંજાબ કિંગ્સે 224 રનનો વિશાળ સ્કોર રાજસ્થાન સામે રાખ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 6 વિકેટ ગુમાવીને આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધુ હતું. રાજસ્થાનની જીતનો હિરો રહ્યો હતો રાહુલ તેવટિયા, જેમણે પજાબના ફાસ્ટ બોલર કોટરેલની એક ઓવરમાં 5 છગ્ગા મારીને મેચનું પાસુ પલટી નાખ્યું હતું. શેલ્ડન કોચરેલની ઓવરમાં બતાવેલા કૌવતથી રાહુલ રાતોરાત હિરો બની ગયો હતો.


રવિદ્ર જાડેજાએ પલટી નાખી હતી મેચ


આ યાદીમાં દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ થાય છે. તેમણે 2021માં બેગ્લોર સામેની મેચમાં આ પરાક્રમ કર્યું હતું. આ મેચમાં જાડેજાએ 221.43ની સ્ટ્રાઈક રેટથી માત્ર 28 બોલમાં 62 રન બનાવ્યા હતા, જેમા કુલ 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સની પારીની છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાની સામે બોલિંગમાં હર્ષલ પટેલ હતો. આ ઓવરમાં જાડેજાએ 5 છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 191 રને પહોંચાડી દીધો હતો. આમ આઈપીએલના ઈતિહાસમાં એક ઓવરમાં પાંચ છગ્ગા મારનાર જાડેજા ત્રીજો ખેલાડી બની ગયો હતો.