ICC World Test Championship Final 2023: ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023 શરૂ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે.  આવતીકાલે એટલે કે બુધવાર, 7 જૂને લંડનના ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ મેચ રમાશે. રવિ શાસ્ત્રી, વસીમ અકરમ અને રિકી પોન્ટિંગે ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં ફેવરિટ ગણાવ્યું છે.


ઓસ્ટ્રેલિયા ફાઇનલ જીતવા માટે મજબૂત દાવેદાર છે - રિકી પોન્ટિંગ


ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે ઓવલની સ્થિતિ ઓસ્ટ્રેલિયાની પસંદની નજીક છે, તેથી ફાઇનલમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમનો હાથ ઉપર રહેશે. પોન્ટિંગે આઈસીસી દ્વારા આયોજિત પ્રી-ગેમ લાઈવ ઈવેન્ટમાં કહ્યું હતું કે , "તમે પરિસ્થિતિના આધારે વિચારશો કે તે ઓસ્ટ્રેલિયાના પક્ષમાં છે, પરંતુ બંન્ને ટીમો પાસે જીતવાની તકો હશે."


જ્યારે પોન્ટિંગને ફાઈનલ જીતવા માટે તેની ફેવરિટ ટીમ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ઓસ્ટ્રેલિયા પર દાવ લગાવ્યો. તેણે કહ્યું હતું કે "ઓસ્ટ્રેલિયામાં થોડી ધાર છે. બંને ટીમો પ્રથમ અને બીજા સ્થાને રહેવાની હકદાર છે. જ્યાં સુધી તૈયારીનો સવાલ છે, રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓએ બિલકુલ ક્રિકેટ રમી નથી જ્યારે ભારતીય ખેલાડીઓ IPLમાં ખૂબ જ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યા છે.


જાણો શું કહ્યું વસીમ અકરમે


પાકિસ્તાનના દિગ્ગજ ઝડપી બોલર વસીમ અકરમે પણ ઓસ્ટ્રેલિયાની ટીમને ભારત કરતા થોડી આગળ હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે એ પણ માને છે કે ટોસ અને હવામાન રમતમાં મહત્વપૂર્ણ પરિબળો હશે. તેણે કહ્યું, "હું રિકી સાથે સહમત છું. ઓસ્ટ્રેલિયા ફેવરિટ છે. તે હવામાન પર પણ નિર્ભર કરે છે અને ટોસ અને પિચ પણ મહત્વપૂર્ણ છે."


રવિ શાસ્ત્રીએ આ વાત કહી


ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું પણ માનવું છે કે ઓસ્ટ્રેલિયન ટીમ કાગળ પર ઘણી મજબૂત છે. જો કે, તેણે એમ પણ કહ્યું કે ફિટનેસ એક નિર્ણાયક પરિબળ હોઈ શકે છે. જેમ કે વાજ (વસીમ અકરમ) અને રિકીએ કહ્યું હતું કે, તમારે થોડું ક્રિકેટ રમવાની જરૂર છે. તે બે કલાક, ચાર કે પાંચ દિવસ, છ દિવસ નેટમાં બોલિંગ કરવા કરતાં ઘણું અલગ છે. તેથી તેના પર નિર્ભર છે કે તેઓએ કેવી રીતે તૈયારી કરી છે. ઑસ્ટ્રેલિયા પાસે થોડી ધાર છે, પરંતુ તે મેચ ફિટનેસ ચાવીરૂપ બની શકે છે." તેણે આગળ કહ્યું હતું કે  "મોહમ્મદ શમી પહેલા અડધા કલાકમાં ઓસ્ટ્રેલિયાને ઘણું નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તે વધારે રમી રહ્યો છે."