IND vs AFG 3rd T20 Full Highlights: ભારતે બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને 10 રને હરાવીને ત્રીજી T20 જીતી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાને પણ નિર્ધારિત ઓવરમાં 212 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ ગઈ. આ પછી સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પ્રથમ રમત રમીને 16 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 16 રન બનાવી શકી હતી.


 






જ્યારે પ્રથમ સુપર ઓવર ટાઈ થઈ ત્યારે મેચનું પરિણામ નક્કી કરવા માટે બીજી સુપર ઓવર રમાઈ હતી. જેમાં ભારતે 11 રન બનાવ્યા હતા અને ત્યારબાદ અફઘાનિસ્તાનની ટીમ માત્ર એક રન બનાવી શકી હતી. આ રીતે ભારતીય ટીમે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ભારતે T20 ઈન્ટરનેશનલમાં 9મી વખત કોઈપણ ટીમને ક્લીન સ્વીપ કરી છે. આ સાથે ભારતે સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.


 






બીજી સુપર ઓવરમાં ભારતે 11 રન બનાવ્યા હતા
બીજી સુપર ઓવરમાં ભારતે તેની બંને વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ પૂરા 6 બોલ પણ રમી શકી નહોતી. બીજા સુપરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ, લક્ષ્યનો પીછો કરતી વખતે રવિ બિશ્નોઈએ અફઘાનિસ્તાનને માત્ર 1 રન બનાવવા દીધો અને મેચ ભારતની તરફેણમાં કરી અને પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કર્યો હતો.


રોહિત શર્મા અને રિન્કુ સિંહની તોફાની બેટિંગ


ભારતે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 212 રન ઉમેર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. જ્યારે રિંકુએ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. બંનેએ પાંચમી વિકેટ માટે 190 રનની અતૂટ ભાગીદારી કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું પરંતુ તેની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 22ના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને સંજુ સેમસનનું ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. યશસ્વી જયસ્વાલે ચાર અને શિવમ દુબેએ એક રન બનાવ્યો હતો. આ પછી રોહિત અને રિંકુએ અફઘાન બોલરોની લાઈનલેન્થ વિખી નાખી હતી.