IND vs AUS 5th Test Day 1: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ મેચ આજે એટલે કે 3જી જાન્યુઆરીથી સિડનીમાં રમાઈ રહી છે. સિડનીમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે.
સિડની ટેસ્ટના પહેલા દિવસે ભારતનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા હાલમાં 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે પર્થમાં જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ આગામી 3 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાને 2 મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ગાબા ટેસ્ટ ડ્રો રહી હતી. હવે ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને જાળવી રાખવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે સિડની ટેસ્ટ જીતવી પડશે.
ભારતની પ્રથમ ઈનિંગ પૂર્ણ
જસપ્રીત બુમરાહ સિક્સર ફટકારીને આઉટ થયો. આ સાથે ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 185 રનમાં સમેટાઈ ગયો હતો. સ્કોટ બોલેન્ડ 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ભારત તરફથી પંતે સૌથી વધુ 40 રનની ઇનિંગ્સ રમી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ નિયમિત કેપ્ટન રોહિત શર્માને પડતો મુકવાનો નિર્ણય લીધો હતો. રોહિતની જગ્યાએ શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જોકે ગિલ વધારે કરી શક્યો ન હતો. તેણે 2 ચોગ્ગાની મદદથી માત્ર 20 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહ આ મેચમાં ભારતની આગેવાની કરી રહ્યો છે.
વિરાટ કોહલી ફરી એકવાર ઓફ સ્ટમ્પ બોલ જબરદસ્તીથી રમવાના કારણે આઉટ થયો હતો. 17 રન બનાવ્યા બાદ કોહલી (17) સ્કોટ બોલેન્ડના બોલ પર બેઉ વેબસ્ટરના હાથે આઉટ થયો હતો. કોહલી આ સીરિઝમાં આ પહેલા પણ ઘણી વખત ઓફ સાઇડ પર જબરદસ્તીથી બોલ રમવાના કારણે આઉટ થઈ ચૂક્યો છે. આ પછી પંત અને જાડેજાએ દાવ સંભાળ્યો, પંત (40) સારા ટચમાં હોય તેવું લાગતું હતું, પરંતુ બિનજરૂરી શોટ રમતા તે બોલેન્ડના બોલ પર કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો. આ પછી નીતીશ રેડ્ડી (0) બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. જાડેજા (26) થોડી સાવધાની સાથે રમી રહ્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયાનો સ્કોર 134 હતો ત્યારે તે આઉટ થઈ ગયો હતો. લોઅર ઓર્ડર પર આવેલા વોશિંગ્ટન સુંદર (14), પ્રસિદ્ધ ક્રિષ્ણા (03) કંઈ ખાસ કરી શક્યા ન હતા. જ્યારે જસપ્રિત બુમરાહે 22 રનની ઈનિંગ રમી અને તેણે કેટલાક સારા શોટ ફટકાર્યા. ટીમ ઈન્ડિયાની છેલ્લી વિકેટ કેપ્ટન બુમરાહ (22)ના રૂપમાં પડી, જે પેટ કમિન્સની બોલ પર પુલ શોટ મારવાના પ્રયાસમાં મિચેલ સ્ટાર્કના હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્કને 3, પેટ કમિન્સને 2 અને નાથન લિયોનને એક સફળતા મળી હતી.
આ પણ વાંચો....