India vs Australia 1st Test Highlights: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને એક દાવ અને 132 રનથી હરાવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી. આ પછી ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા અને 223 રનની જંગી લીડ મેળવી લીધી. તો બીજી તરફ, બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર 91 રન બનાવી શકી હતી. 


 






આ સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. અશ્વિને બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 37 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તો ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથે સૌથી વધુ અણનમ 25 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ પણ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે લાંબો સમય ટકી શક્યો નહોતો. અશ્વિન ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને શમીએ બીજી ઈનિંગમાં 2-2 અને અક્ષર પટેલે 1 વિકેટ લીધી હતી.


પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાને મળી 223 રનની લીડ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવના સ્કોર સામે ભારતે 223 રનની લીડ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.


ત્રીજા દિવસની રમત શરૂ થઈ ત્યારે ભારતીય ટીમનો સ્કોર 7 વિકેટના નુકસાન પર 321 રન હતો. આ પછી ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર ​​ટોડ મર્ફીએ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પોતાની ટીમને દિવસની પ્રથમ સફળતા અપાવી હતી. જાડેજાએ 70 રન બનાવ્યા હતા.


આ પછી અક્ષર પટેલ અને મોહમ્મદ શમી વચ્ચે 9મી વિકેટ માટે 52 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. મોહમ્મદ શમીએ માત્ર 47 બોલનો સામનો કરીને 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 2 ચોગ્ગા અને 3 છગ્ગા પણ જોવા મળ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સના આધારે 200થી વધુની લીડ મેળવી લીધી હતી.


આ પછી ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો હતો, જેમાં અક્ષર પટેલે શાનદાર 84 રન બનાવ્યા હતા. જ્યારે કાંગારૂ ટીમ માટે ટોડ મર્ફીએ આ ઇનિંગમાં 7 વિકેટ, નાથન લિયોને 1 વિકેટ અને કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી.