IND vs AUS 3rd ODI Match Highlights: ભારતને મેચ જીતવા માટે 353 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 286 રન જ બનાવી શકી અને મેચ 66 રને હારી ગઈ. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 56 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 40 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.


 






રોહિત શર્મા અને વિરાટ કોહલીની સારી શરૂઆત ભારતને જીત તરફ લઈ જઈ શકી ન હતી. રાજકોટ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 66 રને હરાવ્યું છે. જોકે, રોહિત બ્રિગેડે આ શ્રેણી 2-1થી જીતી લીધી છે. રોહિતે ગગનચુંબી સિક્સરની મદદથી 81 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ અડધી સદી ફટકારી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતીય બોલરોને પરસેવો વાળી દીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 352 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે મિચેલ માર્શે સૌથી વધુ 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.


ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023 પહેલા સિરીઝ જીતી લીધી છે, પરંતુ રાજકોટમાં મળેલી હારને પચાવવી સરળ નહીં હોય. આ મેચમાં ભારતના મિડલ ઓર્ડરની નબળાઈ ફરી સામે આવી છે. જો આપણે રોહિત, કોહલી અને ઐયરની ઇનિંગ્સને બાજુ પર રાખીએ તો કોઈ પણ બેટ્સમેન સંતોષકારક પ્રદર્શન કરી શક્યો નહીં. કેએલ રાહુલ 26 રન બનાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા માત્ર 35 રન બનાવી શક્યો હતો. વોશિંગ્ટન સુંદરને ઓપનિંગ કરવાનો મોકો મળ્યો. તે માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો.


ઓસ્ટ્રેલિયાએ ભારતને આપ્યો હતો 353 રનનો ટાર્ગેટ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ત્રીજી વન ડે રમાઈ રહી છે. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે સર્વાધિક 96 રન બનાવ્યા હતા. ભારત તરફથી બુમરાહે 10 ઓવરમાં 81 રનમાં 3 વિકેટ ઝડપી હતી.


ઓસ્ટ્રેલિયાની મજબૂત શરૂઆત


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત શરૂઆત કરી હતી. મિશેલ માર્શ (84 બોલમાં 96 રન) અને ડેવિડ વોર્નર (34 બોલમાં 56 રન) ની જોડીએ પ્રથમ વિકેટ માટે 78 રન ઉમેર્યા હતા. સ્ટીવ સ્મિથે 74 રન અને લાબુશેને 72 રનનું યોગદાન આપ્યું હતું. બુમરાહે 81 રનમાં 3 વિકેટ, કુલદીપ યાદવે 48 રનમાં 2 વિકેટ, મોહમ્મદ સિરાજે 68 રનમાં 1 વિકેટ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ 45 રનમાં 1 વિકેટ લીધી હતી.




ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ. 










ઓસ્ટ્રેલિયા ટીમ 

મિશેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, તનવીર સાંધા, જૉશ હેઝલવુડ.