Virat Kohali Lungi Dance : ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ODI મેચ રમાઈ રહી છે. જ્યાં ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ પ્રથમ બોલિંગ કરી હતી. આ દરમિયાન મેચમાં ફિલ્ડિંગ માટે જતા પહેલા વિરાટ કોહલીએ ફરી એકવાર બાઉન્ડ્રી લાઇનની નજીક તેના ડાન્સથી ચાહકોનું મનોરંજન કર્યું. આ વખતે વિરાટ નટુ-નાટુની જગ્યાએ લુંગી ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.
આ પહેલા પણ સીરિઝની પહેલી ODI દરમિયાન વિરાટ કોહલી હાલમાં જ ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુના સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો. આ સાથે જ તેણે લુંગી ડાન્સ ગીત પર જોરદાર ડાન્સ પણ કર્યો છે.
આ પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પહેલી ODI મેચ દરમિયાન સ્લિપમાં ઉભેલો વિરાટ કોહલી નટુ-નટુ ગીતના હૂક સ્ટેપ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ મેદાન વચ્ચે કરેલા આ ડાન્સે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કોહલીને લાઈવ નાચતો લોકો રાજીના રેડ થઈ ગયા હતાં. વિરાટનો આ ડાંસ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
કોહલી બાઉન્ડ્રી દોરડા પાસે ઊભો હતો જ્યાં લાઉડ સ્પીકર પર 'લુંગી ડાન્સ' ગીત વાગી રહ્યું હતું. આ સમયે તે અચાનક નાચવા લાગ્યો હતો. કોહલીએ નીચે ઝૂકીને લુંગીની જેમ રૂમાલ ઊંચો કર્યો, જ્યારે બાદમાં તેણે જોરથી કમર હલાવી હતી. વિરાટની આ સ્ટાઈલ જોઈને દરેક લોકો ખુશ થઈ ગયા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલી બેટથી કંઈ કમાલ કરી શક્યો નહોતો. પરંતુ તેના ડાન્સના કારણે તે મેચ દરમિયાન ચર્ચામાં રહી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન તેણે નટુ-નટુ ગીત પર ડાન્સ કર્યો હતો. ચાહકોને કોહલીનો ડાન્સ ખૂબ પસંદ આવ્યો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ઉલ્લેખનીય છે કે, ભારતે પ્રથમ વનડે જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી, પરંતુ બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર વાપસી કરી હતી અને ભારતને 10 વિકેટથી હરાવીને શ્રેણી બરોબરી કરી હતી. આવી સ્થિતિમાં હવે ત્રીજી વનડે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય ટીમે આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.