India vs Australia 3rd T20: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે.


ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 63 રનની ઇનિંગ રમી હતી.


સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની અર્ધસદી અને બંને વચ્ચેની સદીની ભાગીદારીને કારણે ભારતે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની T20I શ્રેણી 2-1થી જીતી લીધી.


ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે સૂર્યકુમાર (36 બોલમાં 69 રન, પાંચ સિક્સ, પાંચ ફોર) અને વિરાટ કોહલી (48 બોલમાં 63 રન, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. એક બોલ બાકી રહેતા ચાર વિકેટે 187 રનની ભાગીદારીની મદદથી જીત મેળવી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ અણનમ 25 રનની ઇનિંગ રમી હતી.


અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ (27 બોલમાં 54 રન, ચાર છગ્ગા, બે ચોગ્ગા) અને કેમેરોન ગ્રીન (21 બોલમાં 52 રન, સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા)ની અડધી સદીની મદદથી સાત વિકેટે 186 રન બનાવ્યા હતા. ડેવિડે ડેનિયલ સેમ્સ (20 બોલમાં અણનમ 28, બે સિક્સર, એક ફોર) સાથે સાતમી વિકેટ માટે 68 રન જોડીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.


લક્ષ્યનો પીછો કરતા ભારતે પ્રથમ ઓવરમાં જ કેએલ રાહુલ (01)ની વિકેટ ગુમાવી દીધી હતી, જે સેમ્સના બોલ પર વિકેટકીપર મેથ્યુ વેડના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા (17)એ જોશ હેઝલવુડ પર ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી હતી. તેણે વિરોધી ટીમના કેપ્ટન પેટ કમિન્સને ચોગ્ગા સાથે આવકાર્યો હતો, પરંતુ તે જ ઓવરમાં તે સિક્સર મારવાના પ્રયાસમાં સેમ્સના હાથે કેચ આઉટ થયો હતો.


ત્યારબાદ કોહલી અને સૂર્યકુમારે દાવને આગળ વધાર્યો હતો. સૂર્યકુમારે કમિન્સની બોલિંગમાં ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું જ્યારે કોહલીએ હેઝલવુડની સળંગ બોલમાં સિક્સર અને ફોર ફટકારી. પાવર પ્લેમાં ભારતે બે વિકેટે 50 રન બનાવ્યા હતા.