IND vs AUS Match Preview:  ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો (IND vs AUS) આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટકરાશે. ત્રણ મેચોની T20 શ્રેણીની આ છેલ્લી મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. બંને ટીમો હાલમાં સિરીઝમાં 1-1થી બરોબરી પર છે, તેથી હૈદરાબાદમાં યોજાનારી આ મેચના પરિણામ દ્વારા જ સિરીઝનો વિજેતા જાહેર કરવામાં આવશે.


આ શ્રેણીની પ્રથમ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. મોહાલીમાં ભારતીય ટીમ 208 રનના વિશાળ સ્કોરને પણ બચાવી શકી ન હતી. જો કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. શ્રેણીની આ બીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેમાં માત્ર 8-8 ઓવર જ રમાઈ હતી. ભારતે અહીં છેલ્લી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.


કેવું રહેશે તાપામાન


આજે હૈદરાબાદમાં તાપમાન 22 થી 29 ડિગ્રીની વચ્ચે રહેશે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જો કે મેચની શરૂઆતમાં વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ જો દિવસ દરમિયાન વરસાદના કારણે મેદાન યોગ્ય રીતે સુકાઈ ન જાય તો મેચમાં વિલંબ થઈ શકે છે. તો બીજી ઇનિંગમાં પણ વરસાદની શક્યતા વધુ છે. રાજ 10 વાગ્યા પછી ભારે વરસાદ પડી શકે છે.


હૈદરાબાદમાં ત્રણ વર્ષ પછી મેચનું આયોજન


ત્રણ વર્ષ બાદ હૈદરાબાદમાં મોટી મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ વર્ષમાં અહીં એકપણ ઈન્ટરનેશનલ મેચ કે આઈપીએલ મેચ યોજાઈ નથી. જેના કારણે ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ હૈદરાબાદના જીમખાના મેદાનમાં આ મેચની ટિકિટ માટે નાસભાગ મચી ગઈ હતી, જેમાં બે ડઝન લોકો ઘાયલ થયા હતા. ક્રિકેટના આટલા ક્રેઝ વચ્ચે આજે જો મેચ વરસાદના કારણે ધૂળ ખાશે તો ચાહકો માટે મોટો ફટકો પડશે.


હેડ ટુ હેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 14 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાને 10 મેચ મળી છે. એક મેચ અનિર્ણિત છે.


પિચ મિજાજઃ હૈદરાબાદમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ T20I મેચ થઈ નથી. જો કે આ પહેલા ટી20 મેચોમાં અહીં સારા રન બનાવ્યા છે. આ વખતે પણ અહીં ઘણા રન મળવાની સંભાવના છે. પિચ પર ઘાસ નથી, તેથી બોલરોને અહીં રન રોકવામાં મુશ્કેલી પડી શકે છે.


ટીમ ઈન્ડિયા સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.


ઓસ્ટ્રેલિયા સંભવિત પ્લેઈંગ-11: એરોન ફિન્ચ (કેપ્ટન), જોસ ઈંગ્લિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (wk), ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોસ હેઝલવુડ, નાથન એલિસ.