ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેમાં ઘણા ફેરફાર કર્યા છે. માત્ર 11 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર 19 વર્ષીય ખેલાડી સેમ કોન્ટાસને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. બે ઝડપી બોલરોની વાપસી થઇ છે. હાલમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ત્રણ મેચ રમાઈ છે અને બંને ટીમો 1-1થી બરાબરી પર છે.
ઓપનિંગ બેટ્સમેન નાથન મૈકસ્વનીના સ્થાને સેમને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. મૈકસ્વનીને પ્રથમ ત્રણ મેચમાં ઘણી તકો મળી હતી પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. ટીમ રિચાર્ડસન અને સીન એબોટની વાપસી થઇ છે.
વેબસ્ટરને પણ તક મળી
જે રિચર્ડસન ઈજામાંથી સ્વસ્થ થઈને વાપસી કરવા માટે તૈયાર છે. તેણે છેલ્લી વખત 2021-22ની એશિઝ શ્રેણી દરમિયાન પોતાના દેશ માટે ટેસ્ટ મેચ રમી હતી. તે વર્ષ 2022થી ત્રણેય ફોર્મેટમાં ટીમની બહાર છે. સીન એબોટની પણ ટીમમાં વાપસી થઈ છે. એડિલેડ ટેસ્ટ મેચ પહેલા ટીમમાં સામેલ થયેલા અનકેપ્ડ બ્યૂ વેબસ્ટરને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે.
જોસ હેઝલવૂડ ત્રીજી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં નહોતો. આ કારણોસર તે બોલિંગ પણ કરી શક્યો નહોતો. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે એડિલેડમાં રમ્યો નહોતો. તે બ્રિસ્બેનમાં પાછો ફર્યો પણ ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ કહ્યું છે કે હેઝલવૂડની ગેરહાજરીમાં ટીમ પાસે રિચર્ડસનના રૂપમાં વધારાનો વિકલ્પ હશે.
કોન્ટાસે માત્ર 11 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી
ડેવિડ વોર્નરની નિવૃત્તિ બાદ કોન્ટાસને ઉસ્માન ખ્વાજાના ઓપનિંગ પાર્ટનર તરીકે જોવામાં આવી રહ્યો હતો. પરંતુ પસંદગીકારો તેની ઉંમરને લઈને મૂંઝવણમાં હતા. જો કે, મૈકસ્વનીની નિષ્ફળતાએ તેને કોન્ટાસની પસંદગી કરવાની ફરજ પાડી હતી. કોન્ટાસે અત્યાર સુધી માત્ર 11 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. તેણે આ મેચોમાં 718 રન બનાવ્યા છે જેમાં બે સદી અને ત્રણ અડધી સદી સામેલ છે.
ઓસ્ટ્રેલિયન ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ (વાઈસ-કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્ટાસ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, રિચાર્ડસન, મિશેલ સ્ટાર્ક, બ્યૂ વેબસ્ટર.