Jasprit Bumrah Start Practice: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સિરીઝની શરુઆત થઈ રહી છે. આ સિરીઝ બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ ટી20 સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 સીરીઝ માટે ભારત આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. આ ટી20 સિરીઝ પહેલાં, ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેણે મેદાન પર પ્રેક્ટિસ કરતો અને જીમમાં વર્કઆઉટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


બુમરાહે મેદાનમાં અને જીમમાં પરસેવો પાડ્યોઃ


ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી ઈજાના કારણે ભારતીય ટીમની બહાર રહ્યો હતો. તે એશિયા કપમાં પણ ભારતીય ટીમનો ભાગ નહોતો. જોકે, બુમરાહ હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે T20 વર્લ્ડ કપ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમનો ભાગ છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલાં તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બુમરાહ મેદાન પર બોલિંગની પ્રેક્ટિસ કરતો અને જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. બુમરાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




બુમરાહે ટી20માં ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટ ઝડપી


બુમરાહ ભારતમાં ઓસ્ટ્રેલિયા સામેની T20I મેચોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે અત્યાર સુધી 5 મેચમાં 7 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 120 રન આપ્યા છે. ભુવનેશ્વર કુમાર આ મામલે બીજા નંબર પર છે. ભુવનેશ્વરે ત્રણ મેચમાં 5 વિકેટ લીધી છે. જ્યારે હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. પંડ્યાએ 3 મેચમાં 3 વિકેટ લીધી છે. વિનય કુમાર પણ ત્રણ વિકેટ સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.