ICC Cricket World Cup 2023 Final : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આ ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ટાઈટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.


ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિ શાસ્ત્રીએ ફાઈનલ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીનું માનવું છે કે બંને ઇનિંગ્સ દરમિયાન પ્રથમ 10 ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ હશે અને તે મેચ નક્કી કરશે. શાસ્ત્રીએ કહ્યું કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફાઈનલ મેચમાં પણ સદી ફટકારી શકે છે.


રવિ શાસ્ત્રીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, 'મને લાગે છે કે પ્રથમ 10 ઓવર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતને કેટલીક શાનદાર શરૂઆત મળી છે, ખાસ કરીને રોહિતે ટોપ ઓર્ડરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આનાથી ઘણો ફરક પડે છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયાને પણ આવી શરૂઆત મળશે તો તેમને ઘણો આત્મવિશ્વાસ મળશે. ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ ખતરનાક ખેલાડી છે.


શાસ્ત્રીએ વિરાટ કોહલી વિશે કહ્યું, 'વિરાટ જે પ્રકારના ફોર્મમાં છે, તે પોતાની સ્ક્રિપ્ટ લખી રહ્યો છે. જો તે પોતાના બેટથી બીજી સદી ફટકારે તો નવાઈ નહીં. તેણે સેમિફાઇનલમાં આ કર્યું હતું અને તે ફાઇનલમાં પણ આવું કરી શકે છે. ફાઈનલ મેચથી મોટું કંઈ નથી. 


અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?


રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં યોજાશે. રવિવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આછો તડકો રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.


ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત રીતે વિજેતા ક્યારે જાહેર કરી શકાય?


આઈસીસીના નિયમો અનુસાર, જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.