Virat Kohli & Ajinkya Rahane:  ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે વચ્ચે 86 રનની ભાગીદારી થઈ હતી. વિરાટ કોહલીએ 78 બોલમાં 49 રન બનાવ્યા હતા. જ્યારે અજિંક્ય રહાણેએ 108 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. જો કે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે. અત્યાર સુધી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ટેસ્ટ ફોર્મેટમાં 3583 રનની ભાગીદારી કરી છે. ટેસ્ટ ઈતિહાસમાં ચોથા કે નીચલા ક્રમના ખેલાડીઓ વચ્ચે આ સૌથી વધુ ભાગીદારી છે.


આ યાદીમાં બીજું કોણ-કોણ ?


સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી આ યાદીમાં બીજા નંબર પર છે. બંને ખેલાડીઓ વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં 3468 રનની ભાગીદારી થઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને માઈસ હસી ત્રીજા નંબરે છે. બંને કાંગારુ ખેલાડીઓએ મળીને ટેસ્ટ ફોર્મેટમાં 3326 રન ઉમેર્યા હતા. આ સિવાય પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હક અને યુનુસ ખાનનો આ યાદીમાં નંબર છે. પાકિસ્તાનના મિસ્બાહ-ઉલ-હક અને યુનુસ ખાને ટેસ્ટ ફોર્મેટમાં 3213 રનની ભાગીદારી નોંધાવી હતી.


સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની જોડી પણ સામેલ છે


આ સિવાય ફરી એકવાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ આ લિસ્ટમાં છે. સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 3019 રનની ભાગીદારી થઈ હતી. જો કે હવે આ લિસ્ટમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની જોડી ટોપ પર છે. 


ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ટાઈટલ જીત્યું



વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ ઐતિહાસિક મેચમાં ભારતીય ટીમને મેચની ચોથી ઇનિંગમાં જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા રમતના 5માં દિવસે 234 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આ ઇનિંગમાં નાથન લિયોને 4 જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ ઝડપી હતી.


ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે ટોસ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. તે સ્થિતિમાં બેટિંગ કરવી સરળ ન હતી. ખાસ કરીને અમારા બોલરોએ પહેલા સેશનમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ તે પછી અમે ખરાબ બોલિંગ કરી હતી. તેણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જે રીતે બેટિંગ કરી તેનો શ્રેય તેમને જાય છે. ખાસ કરીને ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી હતી. ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારીએ મેચને પલટી નાખી હતી.