India Vs Austrlia Ahemdabad Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. આ મેચ માટે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર શક્ય છે. ભારતીય ટીમ ચોથી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફારો કરી શકે છે. ઈન્દોર ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને તક આપવામાં આવી હતી. પરંતુ સિરાજ આ તકનો લાભ ઉઠાવી શક્યો નહીં. ત્રીજી મેચમાં તેણે પોતાની બોલિંગથી ઘણા નિરાશ કર્યા હતા. તે એક પણ વિકેટ ઝડપી શક્યો નહતો. તેના નિરાશાજનક પ્રદર્શનને જોઈને તેને અમદાવાદ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. આ સાથે જ અનુભવી બોલર મોહમ્મદ શમીને ચોથી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં તક મળવાની પુરી સંભાવના છે.
અત્યારે જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો મોહમ્મદ શમીએ મોહમ્મદ સિરાજ કરતા વધુ સારી બોલિંગ કરી છે. શમી આ સીરિઝમાં અત્યાર સુધી 2 મેચ રમી ચૂક્યો છે અને 7 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 60 રનમાં 4 વિકેટ મેળવવાનું હતું. જ્યારે મોહમ્મદ સિરાજ વર્તમાન શ્રેણીમાં 3 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તે માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો. જો છેલ્લી ત્રણ મેચમાં જોવામાં આવે તો સિરાજ લયમાં જોવા મળ્યો ન હતો. આ દરમિયાન તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રમાનારી છેલ્લી ટેસ્ટમાં સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેના સ્થાને અનુભવી બોલર મોહમ્મદ શમી વાપસી કરશે. શમી પાસે આ વિકેટ પર બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. કારણ કે તે IPL ટીમ ગુજરાત જાયન્ટ્સનો ભાગ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત જાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ છે.
ભારત માટે જીત જરૂરી છે
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચોથી ટેસ્ટમાં ભારત માટે જીત જરૂરી છે. જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો છેલ્લી મેચ જીતવી પડશે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ જશે. ત્યારે ભારતે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. જો શ્રીલંકાની ટીમ એક ટેસ્ટ જીતશે અને તે શ્રેણીમાં એક ડ્રો કરશે તો જ ભારત વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકશે.