વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે (06 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સે જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 34 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.






મેથ્યુઝ-બ્રન્ટની સામે આરસીબીની હાર


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી અને હેલી મેથ્યુઝે યાસ્તિકા ભાટિયા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 5 ઓવરમાં 45 રનની ભાગીદારી નોંધાવી હતી. યાસ્તિકા ભાટિયાએ 23 રન બનાવ્યા હતા. એક વિકેટ પડ્યા પછી RCB ચાહકો આશા રાખતા હતા કે તેમની ટીમ વાપસી કરશે. પરંતુ એવું બિલકુલ થયું નહીં કારણ કે હેલી મેથ્યુઝ અને નેટ સાયવર-બ્રન્ટની જોડી આરસીબીના બોલરો પર તૂટી પડી હતી.


બંને ખેલાડીઓએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. પરિણામ એ આવ્યું કે મુંબઈ ઈન્ડિયન્સે 86 બોલમાં 159 રન બનાવીને મેચ જીતી લીધી. વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝે 38 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ખેલાડી નેટ સાયવર-બ્રન્ટે 29 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. બ્રન્ટ અને મેથ્યુઝ વચ્ચે બીજી વિકેટ માટે અણનમ 114 રનની ભાગીદારી થઈ હતી.


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBની આખી ટીમ 18.4 ઓવરમાં 155 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના અને સોફી ડિવાઇન (16 રન)એ આરસીબીને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ પછી આરસીબીએ સતત વિકેટો ગુમાવતી રહી હતી. વિકેટકીપર રિચા ઘોષે સૌથી વધુ 28 રનની ઈનિંગ રમી હતી.  સ્મૃતિ મંધાના અને શ્રેયંકા પાટિલે 23-23 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હેલી મેથ્યુઝે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે અમિલિયા કેર અને સાયકા ઈશાકને બે-બે વિકેટ મળી હતી.


મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી જીત


હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની આ સતત બીજી જીત છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું. મહિલા ટી-20 ક્રિકેટમાં રનના સંદર્ભમાં આ જીતનો સૌથી મોટો માર્જિન હતો. બીજી તરફ આરસીબીની આ સતત બીજી હાર છે. આરસીબીને પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. RCB હવે 8મી માર્ચે તેની આગામી મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 9 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે