IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.  પ્રથમ બે વન ડે માટે જાહેર થયેલી ટીમમાંંથી સીનિયર ખેલાડી રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં લાંબા સમય બાદ આર અશ્વિનનું પુનરાગમન થયું છે. કેએલ રાહુલને કેપ્ટન અને રવીન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવ્યો છે.


અક્ષર પટેલની ઈજાના કારણે વર્લ્ડકપ ટીમમાં થઈ શકે છે ફેરફારઃ અશ્વિન-સુંદર દાવેદાર


જોકે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ત્રીજી વનડે માટે ટીમમાં વાપસી કરશે. વર્લ્ડ કપ જેવી મોટી ઈવેન્ટને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ પ્રથમ બે વનડેમાંથી સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે એ વાત પણ સામે આવી છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર થઈ શકે છે. અક્ષર પટેલની ઈજાના કારણે પસંદગીકારોએ તેના સ્થાને બદલવા અંગે વિચારવું પડશે. આર અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. આથી આ બંને ખેલાડીઓને ત્રણેય વનડે માટે ટીમમાં રાખવામાં આવ્યા છે. શક્ય છે કે અશ્વિન અને સુંદરમાંથી કોઈ એકને વર્લ્ડ કપની ટિકિટ મળે.


સંજુ સેમસન માટે દરવાજા બંધ


આ સિવાય પસંદગીકારોએ ઋતુરાજ ગાયકવાડને પ્રથમ બે વનડે માટે ટીમમાં સ્થાન આપ્યું છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ પણ પ્રથમ બે વનડે માટે ટીમનો ભાગ છે. પરંતુ આ ત્રણેય ખેલાડીઓ ત્રીજી વનડેમાં ટીમ સાથે નહીં હોય. જો કે સંજુ સેમસનને કોઈપણ મેચ માટે પસંદ કરવામાં આવ્યો નથી. આનાથી સ્પષ્ટ છે કે સંજુ સેમસન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ છે.


ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ કાર્યક્રમ


ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. પ્રથમ ODI 22 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી ODI 24 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.


પ્રથમ બે વનડે માટેની ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા , પ્રસિદ્ધ કૃષ્ણ , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.


ત્રીજી વનડે માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.