ICC ODI Number One Team:એક તરફ ભારતે એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યું છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ ફરી એકવાર ICC રેન્કિંગમાં નંબર વન વન-ડે ટીમ બની ગઇ છે. એશિયા કપના સુપર-4 તબક્કામાં પાકિસ્તાનને ભારત અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીમાં આફ્રિકાની જીતનો ફાયદો પાકિસ્તાનને મળ્યો જેના કારણે ટીમ ફરીથી રેન્કિંગમાં નંબર વન પર આવી ગઈ છે.
વાસ્તવમાં જ્યારે પાકિસ્તાની ટીમ એશિયા કપ રમવા આવી ત્યારે તે નંબર વન પર હતી. પરંતુ ભારત અને ત્યારબાદ શ્રીલંકા સામે હાર્યા બાદ તે બીજા સ્થાને સરકી ગઇ હતી. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયાએ ગયા અઠવાડિયે જ દક્ષિણ આફ્રિકાને પ્રથમ બે વનડેમાં હરાવીને રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ છેલ્લી સતત ત્રણ મેચ હાર્યા બાદ તેણે ન માત્ર શ્રેણી ગુમાવી પરંતુ ટોચનું સ્થાન પણ ગુમાવ્યું હતું. પાકિસ્તાનને આનો ફાયદો મળ્યો અને તે ફરી ટોચ પર પહોંચી ગયું હતું જ્યારે ભારત આઠમી વખત એશિયન ચેમ્પિયન બન્યું પરંતુ તેની છેલ્લી સુપર-ફોર મેચમાં બાંગ્લાદેશ સામે હાર્યા બાદ તેનું વર્લ્ડ નંબર વન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણીની 5મી અને છેલ્લી મેચમાં યજમાન આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 122 રનથી મોટી હાર આપી હતી, જેના પછી નંબર વન ઓસ્ટ્રેલિયાની ટીમ વન-ડે રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઈ હતી અને પાકિસ્તાનને 115 રેટિંગ મળ્યા હતા અને 3,102 પોઈન્ટ સાથે ફરી નંબર વન પર આવી ગઇ છે.
ભારત બીજા નંબર પર છે
જ્યારે વન-ડે રેન્કિંગમાં ભારતીય ટીમ બીજા સ્થાને છે. ટીમ ઈન્ડિયાના 115 રેટિંગ અને 4,701 પોઈન્ટ છે. ODI ફોર્મેટમાં રમાયેલા એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. આ સિવાય ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં 122 રને જીત મેળવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ ICC ODI રેન્કિંગમાં ચોથા સ્થાન પર છે. આફ્રિકાના 106 રેટિંગ અને 2,551 પોઈન્ટ છે. જ્યારે ઈંગ્લેન્ડ રેન્કિંગમાં પાંચમા નંબર પર છે. ઈંગ્લેન્ડના 105 રેટિંગ અને 2,942 પોઈન્ટ છે.
ટી20 અને ટેસ્ટમાં ભારત નંબર વન છે
વન-ડે સિવાય ભારતીય ટીમ ICCની T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન પર છે. T20Iમાં ભારતના 264 રેટિંગ અને 15,589 પોઈન્ટ અને ટેસ્ટમાં 118 રેટિંગ અને 3,434 પોઈન્ટ છે. જ્યારે પાકિસ્તાન T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ત્રીજા નંબર પર અને ટેસ્ટમાં છઠ્ઠા સ્થાન પર છે.