IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીના ક્રિકેટ સ્ટેડિયમમાં 28 નવેમ્બર મંગળવારના રોજ રમાઈ હતી. આ મેચમાં ભારતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગની મદદથી ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી.






પ્રસિદ્ધ કૃષ્ણા સૌથી મોંઘો બોલર બન્યો


મેક્સવેલે 48 બોલમાં 104 રનની અણનમ ઇનિંગ રમી જેની મદદથી ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 225 રન બનાવ્યા અને મેચ 5 વિકેટથી જીતી લીધી હતી. મેક્સવેલે ભારતના લગભગ તમામ બોલરોની ધોલાઇ કરી હતી. પરંતુ ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ રન આપ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ આ મેચમાં કુલ 4 ઓવર નાંખી અને 68 રન આપીને T20 ફોર્મેટમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બની ગયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાનો ઇકોનોમી રેટ 17.00 હતો. પ્રસિદ્ધ કૃષ્ણાને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી.






આ પહેલા આ રેકોર્ડ સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલના નામે હતો. ચહલે 2018માં સેન્ચુરિયન મેદાનમાં દક્ષિણ આફ્રિકા સામે 4 ઓવરમાં કુલ 64 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લીધી ન હતી. આ સમયગાળા દરમિયાન તેમનો ઈકોનોમી રેટ 16.00 હતો. આ યાદીમાં ત્રીજું નામ છે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું જેણે 2022માં દક્ષિણ આફ્રિકા સામે ગુવાહાટીમાં 15.50ના ઈકોનોમી રેટથી 4 ઓવરમાં કુલ 62 રન આપ્યા હતા અને 2 વિકેટ પણ લીધી હતી.                            


ગાયકવાડની સદી એળે ગઇ


જો કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20 મેચની વાત કરીએ તો આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે ઓપનર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડે 215.79ના સ્ટ્રાઈક રેટથી 57 બોલમાં 123 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં 13 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જોકે, મેક્સવેલની સદીએ ઓસ્ટ્રેલિયાને અંતે વિજય અપાવ્યો હતો.