નાગપુરમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના ચાહકો અને ટીમ આ જીતની સારી રીતે ઉજવણી કરી રહ્યા હતા અને આઇસીસીએ તેમને એક ખરાબ સમાચાર આપ્યા હતા. ICCએ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર 25 ટકાનો દંડ ફટકાર્યો છે. આઈસીસીએ જાડેજાને લેવલ-1ના નિયમના ભંગ માટે દોષિત ગણાવ્યો હતો અને આ દંડ ફટકાર્યો હતો.






આઈસીસીએ આ અંગેની માહિતી આપતા એક નિવેદન બહાર પાડ્યું હતું.આઈસીસીએ જણાવ્યું હતું કે જાડેજાએ નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન તેની આચાર સંહિતાની કલમ 2.20નું ઉલ્લંઘન કર્યું હતું.


આ ઘટના ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની 46મી ઓવરની છે.મેચના પહેલા દિવસે 9 ફેબ્રુઆરીએ જાડેજા પોતાની આંગળી પર ક્રીમ લગાવતો જોવા મળ્યો હતો. જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મોહમ્મદ સિરાજ પાસેથી કંઈક લઈ રહ્યો છે અને તેને ડાબા હાથની આંગળી પર લગાવી રહ્યો છે. આ કારણથી ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજાને ચીટર કહ્યો હતો પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટે કહ્યું કે જાડેજાને આંગળીમાં ઈજા છે અને તે ડાબા હાથ પર ક્રીમ લગાવી રહ્યો છે. પરંતુ તે મેદાન પરના અમ્પાયરોની પરવાનગી વિના આપવામાં આવ્યું હતું.


જાડેજાએ ભૂલ સ્વીકારી હતી


ICCએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ICC મેચ રેફરી એન્ડી પ્રિક્રોફ્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સ્વીકારી લીધી છે. તેથી કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નથી. મેચ રેફરીએ સ્વીકાર્યું કે જાડેજાએ માત્ર તબીબી કારણોસર પોતાની આંગળી પર ક્રીમ લગાવી હતી અને તેનો ઈરાદો બોલ સાથે ચેડા કરવાનો નહોતો. તેનાથી બોલની સ્થિતિ પણ બદલાઈ ન હતી. મેદાન પરના અમ્પાયર નીતિન મેનન, રિચર્ડ લિંગવર્થ, ત્રીજા અમ્પાયર માઈકલ ગૉફ અને ચોથા અમ્પાયર કેએન અનંતપદ્મનાભને જાડેજા પર આરોપ મૂક્યો હતો.


જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો


જાડેજાએ આ મેચમાં બેટ અને બોલ બંને વડે શાનદાર રમત બતાવી અને તેથી જ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 22 ઓવર નાંખી અને 47 રન આપી પાંચ વિકેટ લીધી હતી. આ પછી તેણે 70 રનની ઇનિંગ રમી હતી. જાડેજાએ બીજા દાવમાં બે વિકેટ ઝડપી હતી.