નાગપુર ખાતે રમાઇ રહેલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવ્યો હતો. આ ટેસ્ટથી જાડેજા 6 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 5 વિકેટ ઝડપી હતી. જો કે, રવિન્દ્ર જાડેજાએ પહેલા દિવસે કંઈક એવું કર્યું, જેના કારણે તે વિવાદોમાં ફસાઈ ગયો છે. વાસ્તવમાં ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય સ્પિનર આંગળી પર ક્રીમ જેવું કંઈક લગાવતો જોવા મળ્યો હતો. ત્યારથી ઓસ્ટ્રેલિયન મીડિયા અને ભૂતપૂર્વ દિગ્ગજોએ તેના પર સવાલ ઉઠાવ્યા છે. તેને બોલ ટેમ્પરિંગ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્ધારા ટીમ ઈન્ડિયાને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મામલાની વાસ્તવિકતા મેચ રેફરીને જણાવી હતી.
ESPNcricinfo અનુસાર, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુર ટેસ્ટના પ્રથમ દિવસે રવિન્દ્ર જાડેજાએ આંગળી પર કંઈક લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ સ્પિનર અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા બોલાવવામાં આવ્યો હતો. તેમણે વીડિયોની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર જાડેજા પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી.
ટીમ ઈન્ડિયાએ મેચ રેફરીને વાસ્તવિકતા જણાવી
ટીમ ઈન્ડિયાએ મેચ રેફરીને સ્પષ્ટ કર્યું છે કે જાડેજાએ પોતાની આંગળી પર પેઈન કિલર ક્રીમ લગાવી હતી. જાડેજાએ નાગપુર ટેસ્ટના પ્રથમ બે સેશનમાં 22 ઓવર ફેંકી હતી. રવિન્દ્ર જાડેજા 6 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. આવી સ્થિતિમાં તેની આંગળીમાં દુ:ખાવો એ મોટી વાત નથી. આ દર્દથી છૂટકારો મેળવવા માટે તેણે મોહમ્મદ સિરાજ પાસેથી લઇને પોતાની આંગળી પર ક્રીમ લગાવી હતી.
જાડેજાએ પહેલા દિવસે 5 વિકેટ ઝડપી હતી
જ્યારે રવિન્દ્ર જાડેજાએ પોતાની આંગળી પર પેઈન કિલર ક્રીમ લગાવી હતી. તેણે 15 ઓવર નાંખી હતી અને સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન અને મેટ રેનશોની વિકેટ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી. તેનો વીડિયો વાયરલ થયા બાદ જ વિવાદ શરૂ થયો હતો. ઘણા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ તેને બોલ ટેમ્પરિંગ સાથે જોડવાનું શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ટીમે આ મામલે મેચ રેફરીને કોઈ સત્તાવાર ફરિયાદ કરી નથી.