ભારતે વનડે વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. તેઓએ રવિવારે (8 ઓક્ટોબર) ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાની જીતના હીરો કેએલ રાહુલ અને વિરાટ કોહલી હતા. બંનેએ મુશ્કેલ સંજોગોમાં ઈનિંગ્સને સંભાળી અને ટીમને જીત અપાવી હતી. રાહુલ 115 બોલમાં 97 રન કરીને અણનમ રહ્યો હતો. જ્યારે કોહલીએ 85 રન ફટકાર્યા હતા.






ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ કાંગારૂ ટીમને 49.3 ઓવરમાં 199 રન પર રોકી દીધી હતી. જ્યારે ટીમ ઈન્ડિયા 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી ત્યારે તેની શરૂઆત સારી રહી ન હતી. ભારતની ત્રણ વિકેટ બે રનમાં પડી ગઈ હતી. રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અહીંથી કોહલી અને રાહુલે સ્થિતિ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી.


કોહલી-રાહુલે આ રેકોર્ડ બનાવ્યો હતો


વિરાટ અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે 215 બોલમાં 165 રનની સદીની ભાગીદારી કરી હતી. વન-ડે  વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. કોહલી 38મી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો.


અગાઉ, ભારતે ઓસ્ટ્રેલિયા સામે 12 વર્લ્ડ કપ મેચ રમી હતી, પરંતુ માત્ર બે વખત સો કરતાં વધુની ભાગીદારી કરી હતી અને આ બંને અનુક્રમે 1999 અને 2019 માં ઓવલ ખાતે આવી હતી. રાહુલ અને વિરાટ વચ્ચેની 165 રનની ભાગીદારી વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ ટીમની બીજી સૌથી મોટી ભાગીદારી છે.


કોહલી અને રાહુલની જોડી ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં સૌથી મોટી ભાગીદારી કરનારી જોડી બની હતી. આ બંનેએ અજય જાડેજા અને રોબિન સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. જાડેજા અને રોબિને 1999માં 141 રનની ભાગીદારી કરી હતી. જ્યારે 2019માં રોહિત શર્મા અને શિખર ધવને 127 રનની ભાગીદારી કરી હતી


કોહલી અને રાહુલે વર્લ્ડ કપમાં ચોથી વિકેટ માટે ભારત માટે બીજી મોટી ભાગીદારી કરી હતી. આ બંનેએ વિનોદ કાંબલી અને નવજોત સિંહ સિદ્ધુને પાછળ છોડી દીધા છે. કાંબલી અને સિદ્ધુએ 1996માં કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે 142 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ કપમાં ભારત માટે ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાના નામે છે. ધોની અને રૈનાએ 2015માં ઓકલેન્ડમાં ઝિમ્બાબ્વે સામે અણનમ 196 રનની ભાગીદારી કરી હતી


વિરાટે સચિનનો રેકોર્ડ તોડ્યો


કોહલી ICC મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટ (ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી, T20 વર્લ્ડ કપ)માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ 64 ઇનિંગ્સમાં 2785 રન બનાવ્યા છે. તેંડુલકરના નામે 58 ઇનિંગ્સમાં 2719 રન છે.