KL Rahul's Reaction: કેએલ રાહુલે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલ સંજોગોમાં આવ્યો હતો અને તેણે ટીમ માટે 97* (115) રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ચોથી વિકેટ માટે 165 રનની ભાગીદારી કરી હતી. હવે મેચ બાદ 'પ્લેયર ઓફ ધ મેચ' બનેલા કેએલ રાહુલે જીત માટે બનાવેલા ખાસ પ્લાન અંગે વાત કરી છે.
કેએલ રાહુલે મેચ બાદ કહ્યું, “સાચું કહું તો મેં (વિરાટ સાથે) વધારે વાતચીત કરી ન હતી, વિરાટે કહ્યું કે વિકેટમાં થોડો ખેંચાવ છે, તેથી થોડો સમય ટેસ્ટ ક્રિકેટની જેમ રમવુ. નવા બોલથી ઝડપી બોલરોને થોડી મદદ મળી અને પછી સ્પિનરોને પણ મદદ મળી.
કેએલ રાહુલે આગળ કહ્યું, “છેલ્લી 15-20 ઓવરમાં ડ્યૂએ કામ કર્યું અને તે મદદરૂપ હતું. બોલ સારી રીતે સરકી રહ્યો હતો. તે કંઈક અંશે બે તરફી હોવા છતાં, તે બેટિંગ કરવા માટે સરળ વિકેટ ન હતી અને સપાટ પણ ન હતી. આ એક સારી ક્રિકેટ વિકેટ હતી. થોડી બેટ્સમેન અને બોલરો માટે હતી. તમને સાઉથ ભારતમાં આ પ્રકારની વિકેટ મળે છે ખાસ કરીને ચેન્નાઈમાં."
રાહુલે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મેચમાં જીત અપાવી હતી. પરંતુ તે સિક્સર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. આ વાતનો ખુલાસો કરતાં તેણે કહ્યું, “મેં ખૂબ જ સારી રીતે ફટકો માર્યો હતો, હું વિચારી રહ્યો હતો કે આખરે કઈ રીતે સદી પૂરી કરી શકું. ફોર અને સિક્સર જ એકમાત્ર રસ્તો હતો, પરંતુ સદી પૂરી ન કરવાનો કોઈ અફસોસ નથી.
ભારતીય ટીમે જીત સાથે ICC ODI વર્લ્ડ કપ 2023ની શાનદાર શરૂઆત કરી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમની પણ આ પ્રથમ મેચ હતી. પ્રથમ મેચમાં સ્ટાર સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પોતાની બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને 199 રનમાં આઉટ કરી દીધી હતી. જાડેજાએ 3 અને કુલદીપે 2 વિકેટ ઝડપી હતી.