નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં 17 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં કાંગારુ બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત માટે મોટો પડકાર સાબિત થઇ શકે છે. દુનિયાના સૌથી મહાન બેટ્સમેન રહેલા સચિન તેંદુલકરે ટીમ ઇન્ડિયાના બૉલરોને સ્મિથને કાબુમા રાખવા ખાસ સલાહ આપી છે. સચિનનુ કહેવુ છે કે સ્મિથની ગેરપારંપારિક ટેકનિકના કારણે ભારતીય બૉલરોએ તેને થોડી બહારની બાજુએ બૉલિંગ કરવી જોઇએ. સચિને કહ્યું કે સ્મિથને આઉટ કરવા પાંચમા સ્ટમ્પની લાઇન પર બૉલિંગ કરો.

બૉલ ટેમ્પરિંગના કારણે ગઇ 2018-19ની ટેસ્ટ સીરીઝમાં સ્ટીવ સ્મિથ સીરીઝમાંથી બહાર રહ્યો હતો, જેથી ભારતને તે સમયે ખુબ આસાની રહી હતી, પરંતુ હવે આ વખતે સ્મિથ મોટો પડકાર બની શકે છે. સ્મિથે ભારત વિરુદ્ધ છ ટેસ્ટ સદીઓ ફટકારી છે.

તેંદુલકરે કહ્યું- સ્મિથની ટેકનિક બિનપારંપરિક છે. ટેસ્ટ મેચોમાં આપણે બૉલરને ઓફ સ્ટમ્પ કે ચોથા સ્ટમ્પની લાઇનની આસપાસ બૉલિંગ કરવાનુ કહીએ છીએ, પરંતુ સ્મિથ મૂવ કરે છે એટલા માટે કદાચ બૉલની લાઇન ચાર કે પાંચ ઇંચ વધારે આગળ રાખવી જોઇએ.

પ્રતિકાત્મક તસવીર

સચિને બૉલરોને સ્મિથની સામે બૉલિંગ કરતી વખતે માનસિક ફેરફાર કરવા અંગે પણ કહ્યું- તેને કહ્યું- સ્મિથના બેટની કિનારી અડે એટલે ચોથા કે પાંચમા સ્ટમ્પની વચ્ચેની લાઇન પર બૉલિંગ કરવાનુ લક્ષ્ય રાખવુ જોઇએ. આ બીજુ કંઇ નથી પણ લાઇનમાં માનસિક રીતે ફેરફાર કરવાનુ છે.

સચિને કહ્યું કે, મે વાંચ્યુ છે કે સ્મિથે કહ્યું કે તે શોર્ટ પિચ બૉલિંગ માટે તૈયાર છે. તે આશા રાખી રહ્યો છે કે બૉલર શરૂઆતથી જ તેની સામે આક્રમક વલણ અપનાવે. પરંતુ મને લાગે છે કે ઓફ સ્ટમ્પની બહારની બાજુએ તેની પરીક્ષા લેવી જોઇએ. તેને બેકફૂટ પર રાખો અને શરૂઆતમાં જ તેને ભૂલ કરાવી દો.

જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવની હાજરીમાં ભારતની ફાસ્ટ બૉલિંગ એકદમ પ્રભાવશાળી છે, પરંતુ સચિન ઇચ્છે છે કે ટીમ મેનેજમેન્ટે એક રક્ષાત્મક બૉલરની પણ ઓળખ કરવી જોઇએ.