Ind vs Aus Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, બન્ને ટીમો અત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં આમને સામને છે. ઓસ્ટ્રેલિયન ટીમે અહીં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, આજે ટેસ્ટનો બીજો દિવસ છે, અને કાંગારુ ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે, ત્યારે પુજારાની કેપ્ટનશીપની કમાલ જોવા મળી છે.
ખાસ વાત છે કે, બીજા દિવસની રમત દરમિયાન ભારતીય ટીમ પર દબાણ વધી રહ્યું હતુ, કાંગારુ ટીમે મોટો સ્કૉર બનાવી ચૂકી હતી, અને તેને વધતો અટકાવવા માટે દરેક પ્રકારના હથકંડા અજમાવવામા આવી રહ્યાં હતા, પરંતુ ઓપનર ઉસ્માન ખ્વાઝા એક બાજુ અડીખમ ટકીને મેચને આગળ લઇ જઇ રહ્યો હતો. આ દરમિયાન ચેતેશ્વર પુજારા દ્વારા કમાલની કેપ્ટનશીપ જોવા મળી હતી.
ખરેખરમાં, બીજા દિવસની રમતમાં ટી બ્રેક બાદ ત્રીજા સેશનમાં જ્યારે રમત શરૂ થઇ તે સમયે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા મેદાન પર ન હતો આવ્યો, તેના બદલે ટીમ ઇન્ડિયાની કમાન અનુભવી ખેલાડી ચેતેશ્વર પુજારા સંભાળી રહ્યો હતો, જોકે, આ સમયે પુજારાએ ટી બ્રેક બાદ સ્ટાર સ્પીનર અક્ષર પટેલને બૉલ સોંપ્યો અને અક્ષરે પુજારાના કહ્યાં પ્રમાણે બૉલિંગ કરતાં જ ક્રિઝ પર ટકી ગયેલા ઉસ્માન ખ્વાઝાને પેવેલિયન જવુ પડ્યુ હતુ.
147મી ઓવરના પહેલા જ બૉલ પર અક્ષર પટેલે ઉસ્માન ખ્વાઝાને એલબીડબ્યૂલ આઉટ કરાવી દીધો હતો, જોકે, આ મામલો ડીઆરએસ સુધી પહોંચ્યો અને બાદમાં ઉસ્માન ખ્વાઝાને પેવેલિયન જવુ પડ્યુ હતુ. ઉસ્માન ખ્વાઝાએ સારી બેટિંગ કરતાં 422 બૉલની અડીખમ ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેને 21 ચોગ્ગા સાથે 180 રનોનો વિશાળ અંગત સ્કૉર પણ કર્યો હતો. જોકે, પુજારાની ચાલાકી ભરેલી કેપ્ટનશીપ સામે તે બેવડી સદી ચૂકી ગયો હતો.