IND vs AUS: ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ સોમવારે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચમાં ભારતે 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આજની મેચમાં વિરાટ કોહલીના શાનદાર ફિલ્ડીંગ અને મોહમ્મદ શમીની ધારદાર બોલિંગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 


વિરાટ કોહલીની શાનદાર ફિલ્ડીંગઃ


ઓસ્ટ્રેલિયા સામેની વોર્મઅપ મેચમાં વિરાટ કોહલીએ 13 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્યાર બાદ કોહલીએ મેદાન પર ફિલ્ડીંગ કરતાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. વિરાટે હર્ષલ પટેલની 19મી ઓવરમાં ટીમ ડેવિડને ખુબ જ ઝડપથી રન આઉટ કર્યો હતો. વિરાટ ડાઈવ લગાવીને ફેંકેલો બોલ સીધો સ્ટમ્પ પર વાગ્યો હતો અને ટીમ ડેવિડ રન આઉટ થયો હતો. ત્યાર બાદ અંતિમ ઓવરમાં મોહમ્મદ શમી જ્યારે બોલિંગ કરવા આવ્યો ત્યારે વિરાટ કોહલીએ પેટ કમિન્સને બાઉન્ડ્રી પર કેચ આઉટ કર્યો હતો. વિરાટે હવામાં કૂદીને એક હાથે આ શાનદાર કેચ કર્યો હતો. 


આ બંને વિકેટ ભારત માટે ખુબ જ જરુરી હતી. મહત્વના સમયે વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ ઝડપી હતી. હાલ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની આ ફિલ્ડીંગના વખાણ થઈ રહ્યા છે અને લોકો આ બંને ક્ષણના વીડિયો શેર કરી રહ્યા છે.






ભારતે 7 વિકેટે 186 રન બનાવ્યા હતાઃ


મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ સાત વિકેટે 186 રન ફટકાર્યા હતા.  સૂર્યકુમારે 33 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 151.52 હતો. આ સિવાય ઓપનર કેએલ રાહુલે 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 30 રનમાં 4 વિકેટ ઝડપી હતી.


187 રનના ટાર્ગેટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 180 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન એરોન ફિન્ચે 76 અને મિચેલ માર્શે 35 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીએ એક ઓવરમાં 4 રન આપીને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.  ભુવનેશ્વર કુમારે બે જ્યારે અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.