IND vs AUS, WTC Final 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવીને ટાઈટલ જીતી લીધું છે. આ ઐતિહાસિક મેચમાં ભારતીય ટીમને મેચની ચોથી ઇનિંગમાં જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયા રમતના 5માં દિવસે 234 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આ ઇનિંગમાં નાથન લિયોને 4 જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ ઝડપી હતી.


 




ભારતીય ટીમની આશા છેલ્લા દિવસે જ પ્રથમ સેશનમાં જ ખતમ થઈ ગઈ હતી


ફાઈનલ મેચમાં જ્યારે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 164 રન બનાવી લીધા હતા. આ પછી, છેલ્લા દિવસે, તેમને જીતવા માટે વધુ 280 રનની જરૂર હતી. પરંતુ 5માં દિવસના પહેલા સેશનમાં ભારતીય ટીમને 179ના સ્કોર પર 2 મોટા ઝટકા લાગ્યા હતા. તેમાં વિરાટ કોહલીની મોટી વિકેટ પણ સામેલ છે. સ્કોટ બોલેન્ડના ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર કોહલીએ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટની બહારની ધારને લઈને સીધો સ્લિપ તરફ ગયો જ્યાં સ્ટીવ સ્મિથે હવામાં ડાઈવિંગ કરીને કેચ લઈને પોતાની ટીમને મોટી સફળતા અપાવી. કોહલી 49 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.


આ પછી બેટિંગ કરવા ઉતરેલા રવીન્દ્ર જાડેજા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતા. એક જ ઓવરમાં 2 આંચકાને કારણે ભારતીય ટીમ મેચમાં સંપૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગઈ હતી. અજિંક્ય રહાણેએ અહીંથી કેએલ ભરત સાથે મળીને સ્કોરને આગળ વધારવાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 33 રનની ભાગીદારી જોવા મળી હતી.


સ્ટાર્કે રહાણેને પેવેલિયન મોકલીને ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત કરી 


મિચેલ સ્ટાર્કે આ મેચમાં 212ના સ્કોર પર અજિંક્ય રહાણેના રૂપમાં ઓસ્ટ્રેલિયાની ટીમને છઠ્ઠી સફળતા અપાવી હતી, જે 46ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ઓસ્ટ્રેલિયન ટીમની જીત સંપૂર્ણ રીતે નિશ્ચિત થઈ ગઈ હતી. નાથન લિયોને 234ના સ્કોર પર મોહમ્મદ સિરાજને પેવેલિયન મોકલીને ભારતીય ટીમની બીજી ઇનિંગનો અંત આણ્યો હતો.


ઓસ્ટ્રેલિયા તરફથી આ ઇનિંગમાં ઓફ સ્પિનર ​​નાથન લિયોને 4 વિકેટ ઝડપી હતી જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ, મિચેલ સ્ટાર્કે 2 અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ ઝડપી હતી. આ મેચ જીતવા સાથે ઓસ્ટ્રેલિયા હવે વિશ્વ ક્રિકેટની પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે તમામ ICC ટ્રોફી જીતી હોય.