IND vs BAN: ખરાબ શરૂઆત છતાં ટીમ ઈન્ડિયાએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી T20માં બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો છે. એક સમયે ભારતે માત્ર 41 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ પછી નીતીશ કુમાર રેડ્ડીએ 34 બોલમાં 74 રન અને રિંકુ સિંહે 29 બોલમાં 53 રન બનાવીને ટેબલ ફેરવી દીધું હતું. અંતે હાર્દિક પંડ્યાએ પણ કમાલ કરી હતી. હાર્દિકે 19 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 221 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી તસ્કીન અહેમદે ચાર ઓવરમાં માત્ર 16 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બાકીના તમામ બોલરો ખરાબ રીતે પીટાઈ ગયા હતા.
ટીમ ઈન્ડિયાના બંને ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસન અને અભિષેક શર્મા 25 રનના સ્કોર સુધી પેવેલિયન પરત ફર્યા હતા. સેમસન 10 રન બનાવીને આઉટ થયો હતો અને અભિષેક શર્મા 15 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ 8 રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો. તે પછી નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહે મળીને માત્ર 48 બોલમાં 108 રન જોડીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. નીતિશે 34 બોલમાં 74 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. બીજી તરફ રિંકુએ 29 બોલમાં 53 રન બનાવ્યા હતા.
છેલ્લી 8 ઓવરમાં 99 રન બનાવ્યા
એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 122 રન હતો. બીજી જ ઓવરમાં મેહદી હસને 26 રન આપ્યા હતા. અહીંથી રનોએ એટલો વેગ પકડ્યો કે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસતો રહ્યો. છેલ્લી 8 ઓવરમાં ભારતીય ટીમે તોફાની શૈલીમાં બેટિંગ કરી અને કુલ 99 રન બનાવ્યા. નીતિશ 14મી ઓવરમાં 74 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ હાર્દિક પંડ્યા અને રિંકુ સિંહે રનની ગતિ ધીમી થવા દીધી ન હતી.
હાર્દિકે 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા. 19મી ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 213 રન થઈ ગયો હતો અને એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ સરળતાથી 230 રનનો આંકડો પાર કરી જશે. પરંતુ છેલ્લી ઓવરમાં કુલ 3 વિકેટ પડી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયા સ્કોરબોર્ડ પર 221 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશની વાત કરીએ તો રિશાદ હુસૈને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે તસ્કીન અહેમદ, તનઝીમ હસન સાકિબ અને મુસ્તફિઝુર રહેમાને 2-2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો...