નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં. બીસીસીઆઇએ આ અંગે પુષ્ટી કરી હતી. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા  ડાબા અંગૂઠાની ઈજાને કારણે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. નવદીપ સૈની પણ ઇજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 










ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. રોહિત ટીમમાં સામેલ થવાની આશા હતી પરંતુ તે ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. આ કારણે તે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે.


સૈની ઈજાના કારણે બહાર થયો


ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નવદીપ સૈની બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. નવદીપની ઇજા અંગે જાણકારી આપતા બીસીસીઆઇએ કહ્યું હતું કે તેના પેટના સ્નાયુઓ ખેંચાઇ ગયા છે. જેના કારણે તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તે તેની ઈજાને ઠીક કરવા માટે એનસીએમાં જશે.


પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી


ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચટગાંવમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ યજમાન બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી આ ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારા અને શુભમન ગીલે પણ સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાની જીત સાથે જ ભારતે આ ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે આગામી મેચ 22 ડિસેમ્બરથી મીરપુરમાં રમાશે. જો કે બીજી મેચ પહેલા રોહિત શર્મા અને નવદીપ સૈનીનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.