IND vs BAN 2nd ODI: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે રમાઇ રહી છે, ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરમાં ટીમે 7 વિકેટો ગુમાવીને 271 રન બનાવ્યા છે, હવે ભારતને બીજી વનડે જીતવા માટે 272 રનોની જરૂર છે. જાણો કેવી રહી પ્રથમ ઇનિંગ... 


બાંગ્લાદેશની વાત કરીએ તો, બાંગ્લાદેશની ટીમે શરૂઆતી પ્રથમ 6 વિકેટો માત્ર 69 રનમાં જ ગુમાવી દીધી હતી,જોકે, બાદમાં મહેદ હસન અને મહેમુદુલ્લાહે લડાયક બેટિંગ કરી હતી, બન્નેએ ધૈર્યપૂર્ણ બેટિંગ કરતાં ટીમના સ્કૉરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો. આ ઇનિંગ દરમિયાન મહેદી હસને શાનદાર બેટિંગ કરતાં સદી ફટકારી હતી. 


મહેદ હસને 83 બૉલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેને સામે છેડે મહેમુદુલ્લાહનો સાથ મળ્યો હતો, મહેમુદુલ્લાહે પણ શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ. મહેમુદુલ્લાહે 96 બૉલમાં 77 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય અન્ય કોઇ બેટ્સમેને ક્રિઝ પર ટકી શક્યો ન હતો.


ભારતની વાત કરીએ તો, ભારતની બૉલિંગ શરૂઆતમાં દમદાર જોવા મળી હતી, બાદમાં બાંગ્લાદેશી બેટ્સમેનો આઉટ કરવામા નિષ્ફળ રહી હતી. 


ભારત તરફથી સૌથી સારી બૉલિંગ વૉશિંગટન સુંદરની રહી સુંદરે પોતાની 10 ઓવરના સ્પેલમાં માત્ર 37 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. 


ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજે શરૂઆતમાં સારી બૉલિંગ કરી પરંતુ વધુ વિકેટો ઝડપી શક્યા ન હતા. મોહમ્મદ સિરાજે સૌથી વધુ રન આપ્યા હતા, તેને 10 ઓવરના સ્પેલમાં 73 રન આપીને 2 વિકેટો ઝડપી હતી, તો ઉમરાન મલિકે 10 ઓવરમાં 58 રન આપ્યા હતા, અને 2 વિકેટો પોતાના નામે કરી હતી. 


ઉલ્લેખનીય છે કે ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ વનડે હારી ચૂકી છે, અને સીરીઝ પર બાંગ્લાદેશની ટીમે 1-0થી લીડ બનાવી લીધી છે. આજની મેચ ભારત હારે છે, તો સીરીઝ ગુમાવી દેશે, અને બાંગ્લાદેશ આજની મેચ જીતવા પ્રયાસ કરશે. ભારતને બાંગ્લાદેશ તરફથી 50 ઓવરમાં 272 રનોનો લક્ષ્યાંક મળ્યો છે.


બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
નઝમૂલ હુસેન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મહેદી હસન મિરાજ (વિકેટકીપર), ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન. 


ભારતની પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.