England vs India: ભારતે ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જેમાં ઈંગ્લેન્ડને 110 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. આ પછી રોહિત શર્મા અને શિખર ધવને જોરદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. રોહિતે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહે પોતાની ઘાતક બોલિંગનો કમાલ બતાવતાં કુલ 6 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બંનેએ 114 રનની ભાગીદારી નોંધાવી ભારતને જીત અપાવી હતી. રોહિતે 58 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ધવને 54 બોલમાં અણનમ 31 રન બનાવ્યા હતા. ધવને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ભારતે 18.4 ઓવરમાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ માટે કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. વિલીએ 26 બોલમાં અને 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. કર્સેએ 15 રનનું યોગદાન આપ્યું હતું. મોઈન અલી 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
ઈંગ્લેન્ડની આ ઈનિંગમાં ટીમના ચાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ઓપનર જેસન રોય, જો રૂટ, બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોન ખાતા વગર પેવેલિયન પરત ફર્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડની ટીમ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ દરમિયાન ભારતીય બોલરોએ ખતરનાક બોલિંગ કરી હતી. બુમરાહે 7.2 ઓવરમાં માત્ર 19 રન આપીને 6 વિકેટ લીધી હતી. તેણે 3 મેડન ઓવર પણ ફેંકી હતી. જ્યારે મોહમ્મદ શમીએ 7 ઓવરમાં 31 રન આપ્યા હતા. તેણે 3 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્નાએ 5 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી.