IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે વન ડે સિરીઝની શરૂઆત થઈ છે. પ્રથમ વનડેમાં રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. તો બીજી તરફ આ વનડે મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બે વર્ષ બાદ વાપસી કરી છે. શમીએ આજે જોસ બટલરને આઉટ કરતા જ એક રેકોર્ડ બનાવી લીધો છે. શમીએ આજે વન ડેમાં 150 વિકેટ પુરી કરી છે. આ સાથે તે ભારત તરફથી સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની ગયો છે. આજે શમીએ 7 ઓવરમાં 3 વિકેટ લીધી છે. શમીએ 80 વનડેમાં 150 વિકેટ લીધી છે. આ પહેલા આ રેકોર્ડ અજીત અગરકરના નામે હતો. તેમણે 97 વનડેમાં 150 વિકેટ લીધી હતી.


જો વિશ્વ રેકોર્ડની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 77 વન ડેમાં 150 વિકેટ ઝડપી છે અને તેના પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર સકલેન મુશ્તાક બીજા સ્થાને અને શમી અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે.





ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ માટે ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણી આજથી શરુ થઈ છે. ટી-20 સિરીઝની જેમ વન ડેમાં પણ રોહિત શર્મા ટીમની કમાનમાં જોવા મળશે. જોકે વન ડે શ્રેણી દરમિયાન ભારતનું બોલિંગ આક્રમણ સંપૂર્ણપણે બદલાયેલું લાગી શકે છે. ઈંગ્લેન્ડની કોશિશ ટી20 સીરિઝમાં મળેલી હારની ભરપાઈ કરવા પર રહેશે.




બંને ટીમોનો એકબીજા સામે કેવો છે રેકોર્ડ


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI મેચોમાં ટીમ ઈન્ડિયાનો હંમેશા ઉપર હાથ રહ્યો છે. બંને વચ્ચેની 103 વનડેમાં ભારતે 55 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 43 મેચ જીતી છે. બે મેચ ટાઈ રહી છે અને ત્રણમાં કોઈ પરિણામ આવ્યું નથી. જો કે આ વખતે બંને ટીમો બરાબરી પર જણાઈ રહી છે. ભારત સામે ટી20 સિરીઝ હારી ગયેલી ઈંગ્લેન્ડની ટીમ જો રૂટ, બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટોની વાપસીથી થોડી સંતુલિત દેખાઈ રહી છે. જોકે, બોલિંગમાં તે ભારતીય ટીમની સરખામણીમાં નબળી દેખાય છે.


પિચ અને વેધર રિપોર્ટઃ 'ધ ઓવલ'ની પીચમાં આછું લીલું ઘાસ છે. ફાસ્ટ બોલરોને થોડી મદદ મળી શકે છે પરંતુ તાપમાન વધુ હોવાને કારણે વધુ મદદની અપેક્ષા રાખવામાં આવશે નહીં. આજે અહીં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સ્પિનરોને અહીં થોડી મદદ મળી શકે છે.





ભારતની પ્લેઈંગ ઈલેવન





ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા









ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન): જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન/વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રેગ ઓવરટોન, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, રીસ ટોપલી