પુણે: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝના બીજી મેચ આવતીકાલે રમાવાની છે. પ્રથમ વનડેમાં જીત મેળવીને ભારતીય ટીમે ત્રણ મેચોની વનડે સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે, ત્યારે બીજી વનડે ઇંગ્લેન્ડ માટે કરો યા મરોનો જંગ બની જશે. એવામાં ઈંગ્લેન્ડને બીજી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. સીમિત ઓવરના  કેપ્ટન ઈયોન મોર્ગન હાથમાં ઈજાના કારણે સીરિઝની બાકી રહેલી બે મેચ નહીં રમી શકે.  સાથે સેમ બિલિંગ્સ પણ શુક્રવારે રમાનારી બીજી મેચમાંથી બહાર થઈ ગયો છે. 


સેમ બિલિંગ્સ ત્રીજી મેચમાં રમશે કે નહીં તે અંગે બાદમાં નિર્ણય લેવામાં આવશે. સેમ બિલિંગ્સને પ્રથમ મેચમાં ફિલ્ડિંગ દરમિયાન બાઉન્ડ્રી રોકવા જતા ડાઇવ લગાતી વખતે કૉલરબૉનમાં ઇજા થઇ હતી. રિપોર્ટ પ્રમાણે કેપ્ટન ઇયૉન મોર્ગનને અંગુઠા અને આંગળીની વચ્ચેના ભાગે ઇજા પહોંચતા, ટાંકા લેવા પડ્યા હતા. એવામાં ઈંગ્લેન્ડની ટીમ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 




મોર્ગનની ગેરહાજરીમાં જોસ બટલર ટીમનું નેતૃત્વ કરશે. જ્યારે લીમ લિવિંગસ્ટોન શુક્રવારે ડેબ્યૂ કરશે.  મોર્ગન ગુરુવારે પ્રેક્ટિસ માટે આવ્યો હતો, પરંતુ બાદમાં તેણે મેચ માટે પોતાને અયોગ્ય જાહેર કરી દીધો હતો. મોર્ગને મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું- અમારે 48 કલાક વધુ રાહ જોવી પડશે, કેમકે ઇજા કેટલી ગંભીર રહે છે. શુક્રવારે  મેચ રમવા માટે અમે વધુમાં વધુ સમય આપવા માંગીએ છીએ. 


ત્રણ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું પલડુ ભારે છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. ભારતીય ટીમના મોટાભાગના ખેલાડીઓ આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જો કે મિડલ ઓર્ડરના બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. ભારતીય ટીમનો પ્રયાસ બીજો મેચ જીતવા અને શ્રેણી કબજે કરવાનો પર રહેશે.