IND vs ENG 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં આવતીકાલથી બીજી ટેસ્ટનો પ્રારંભ થશે. બીજી ટેસ્ટ મેચ પહેલા બંને ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતના ઓલ રાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત થતા બંને ટીમની પ્લેઇંગ-11 પસંદગી સામે નવો પ્રશ્ન ઊભો થયો છે. એવામાં હવે ઇંગ્લેન્ડની ટીમમાં માર્ક વુડ અને ઈન્ડિયન ટીમમાં ઈશાંત શર્માને બીજી ટેસ્ટમાં તક મળી શકે છે. પહેલી મેચ વરસાદને કારણે ડ્રો રહેતા હવે બંને ટીમ લોર્ડ્સમાં આયોજિત બીજી મેચ જીતવા મેદાનમાં ઉતરશે.


ઈંગ્લેન્ડનો સીનિયર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ કાફ ઈન્જરીથી પરેશાન છે. આ ઈજાના કારણે તે સીરિઝની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. સકિબને તેના કવર તરીકે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બ્રોડ આ ટેસ્ટમાં રમશે કે નહીં તેનો ફેંસલો ઈંગ્લેન્ડની મેડિકલ ટીમ કરશે. જો બ્રોડ રમશે તો તેના માટે આ ટેસ્ટ મેચ ખાસ બનશે, કારણકે બ્રોડ 149 ટેસ્ટ રમી ચુક્યો છે.  કરિયરની 150મી ટેસ્ટ રમવા તેણે રાહ જોવી પડશે.


સ્ટુઅર્ટ બ્રોડે 149 ટેસ્ટમાં 524 ઝડપી છે. 121 વન ડેમાં તેના નામે 178 વિકેટ છે. જ્યારે 56 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 65 વિકેટ ઝડપી ચુક્યો છે. આ ઉપરાંત ઘણી વખત બેટિંગથી પણ યોગદાન આપ્યું છે.






સાકિબ અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેક ટીમમાં ડેબ્યૂ નથી કર્યું. 24 વર્ષીય સાકિબ ઈંગ્લેન્ડ તરફથી સાત વન ડે અને નવ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચુક્યો છે.  જેમાં અનુક્રમે 14 અને 7 વિકેટ ઝડપી છે. સાકિબે તાજેતરમાં પાકિસ્તાન સામે રમાયેલી વન ડે ઈન્ટરનેશનલ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું અને તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નોટિંઘમના ટ્રેંટ બ્રિજમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સ્લો ઓવર રેટ માટે બંને ટીમો પર 40 ટકા દંડ ફટકાર્યો છે. ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાંથી બે-બે પોઈન્ટ પણ કાપી નાંક્યા છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત સમયમાં બે-બે ઓવર ઓછી ફેંકી હતી. જે બાદ મેચ રેફરી ક્રિસ બોર્ડ આ દંડ ફટકાર્યો હતો. ખેલાડીઓ અને તેના સહયોગી સ્ટાફ માટે આઈસીસીની કલમ 2.22 અનુસાર નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા પર ખેલાડીઓને તેમની મેચ ફીનો 20 ટકા દંડ કરવામાં આવે છે.  આ ઉપરાંત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ નિર્ધારીત સમયમાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમને એક પોઈન્ટનો દંડ કરાય છે.