અમદાવાદ:  ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથીડ ટી20 મેચમાં રોહિત શર્મા માત્ર 12 રન બનાવી શક્યો હતો. પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર રોહિત ભારતનો બીજો અને દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.  રોહિતે ઈનિંગના પહેલાં બોલે જ સિક્સ ફટકારી હતી. 



રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. ટી20માં પોતાની 342 મી મેચ રમનાર રોહિતને આ મુકામ સુધી પહોંચવા માટે માત્ર 11 રનની જરૂર હતી. તેણે આદિલ રશીદની ઇનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ, ફોર અને એક રન લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.


રોહિતના નામે હવે ટી20 માં 9001 રન છે.  જેમાં ટી20 ઇન્ટરનેશનલના 2800 રન પણ સામેલ છે. રોહિત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ સિદ્ધી મેળવી હતી. આ મેચ પહેલા તેના નામે 302 મેચમાં 9650 રન નોંધાયા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ તમામ ટી-20ની 288 ઈનિંગમાં 41.77ની સરેરાશથી 9651 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે સુરેશ રૈના છે.  રૈનાએ 8494 રન બનાવ્યા છે. 



ટી20માં સૌથી વધુ રન વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ (13720 રન) ના નામે નોંધાયેલા છે. તેના બાદ વેસ્ટ ઇન્ડીઝના  જ કિરોન પોલાર્ડ (10629), પાકિસ્તાનના શોએબ મલિક (10488 રન), ન્યુઝીલેન્ડના બ્રેડન મેકુલમ (9922),  ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (9824), એરોન ફિંચ (9718), કોહલી, એબી ડી વિલિયર્સ (9111)) અને તેના બાદ રોહિતનો નંબર આવે છે.


 


ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 8 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીત માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 57 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 37 રન, પંતે 30 રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.