મુંબઇઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસે ફરી એકવાર પોતાનો કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. મહામારીના કારણે અત્યાર સુધી દેશમાં દોઢ લાખથી વધુ લોકો જીવ ગૂમાવી ચૂક્યા છે. કેટલાય રાજ્યોમાં એકવાર ફરીથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. વર્ષ 2011માં ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત કરનારા રાહુલ શર્માની પિતાનુ કોરોનાથી જંગ હારી ગયા બાદ નિધન થઇ ગયુ છે. રાહુલે ખુદ સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી છે. 


લેગ સ્પિનર રાહુલ શર્માએ પિતાની સાથે એક તસવીર શેર કરતા ટ્વીટર પર લખ્યું- શર્મા સાહેબ જલ્દી કરી ગયા યાર. માફ કરી દો કોરોનાથી તમને બચાવી ના શક્યો. તમારા વિના જિંદગી એવી નથી રહી જેવી પહેલા હતી. મે બધુ જ તમારી પાસેથી શીખ્યુ છે. તમારુ લડવાનુ ઝનૂન, સંકલ્પ શક્તિ, સખત મહેનત, નિષ્ઠા. તમારી સાથે પ્રેમ હંમેશા રહેશે ડેડ. રબ્બા મારા પિતાનુ ધ્યાન રાખજો. 



રાહુલે એક બીજા ટ્વીટમાં લખ્યું- હું તમને વાયદો કરુ છુ કે ભારતીય ટીમમાં ફરીથી રમવાનુ તમારુ સપનુ જરૂર પુરુ કરીશ. લવ યૂ ફૉરેવર ઇન્સ્પેક્ટર સાહેબ. 



2011માં રાહુલે કર્યુ હતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ......
આઇપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ લેગ સ્પિનર રાહુલ શર્માએ વર્ષ 2011માં વનડે ક્રિકેટ અને 2012માં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જોકે તે ભારત માટે વધુ ક્રિકેટ ના રમી શક્યો. ચાર વનડે મેચોમાં તેનુ નામે 6 અને 2 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ત્રણ વિકેટ છે. 


ડ્રગ્સ મામલામાં ફંસાઇ ગયો હતો રાહુલ.....
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં એક રેવ પાર્ટીમાં ડ્રગ્સના મામલામાં પકડાઇ ગયો હતો. આ પછી તપાસમાં તે પૉઝિટીવ નીકળ્યો હતો. મુંબઇ પોલીસે રાહુલની સાથે સાઉથ આફ્રિકાના બૉલિંગ ઓલરાઉન્ડર વેન પાર્નેલની પણ ધરપકડ કરી હતી. જોકે, તે સમયે સૌરવ ગાંગુલી તેના સમર્થનમાં ઉભો થઇ ગયો હતો. ગાંગુલીએ આને અજાણતામાં થયેલી ભૂલ ગણાવી દીધી હતી, અને કહ્યું હતુ કે તેને ટીમ ઇન્ડિયામાંથી હટાવવો ના જોઇએ.