IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ 278 રનમાં ઓલઆઉટ થતાં ઈંગ્લેન્ડનો એક ઈનિંગ અને 76 રનથી વિજય થયો હતો. આ સાથે જ પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. સીરિઝની ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.
ત્રીજી ટેસ્ટમાં મળેલી હાર બાદ ભારતીય ટીમની મુશ્કેલી વધી રહીછે. મેચ બાદ ડોબાડી સ્પિનર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ઘૂંટણનું સ્કેન કરાવાયું હતું. તેની ઈજા કેટલી ગંભીર છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું, જાડેજાનું સ્કેન કરાવાયું. બાકી જાણકારી સ્કેન રિપોર્ટ સામે આવ્યા બાદ અપાશે.
ત્રીજી ટેસ્ટમાં કેવો રહ્યો જાડેજાનો દેખાવ
જાડેજાએ લીડ્સ ટેસ્ટમાં 32 ઓવર ફેંકી અને બે વિકેટ લીધી હતી. અને બંને ઈનિંગમાં બેટિંગ પણ કરી, લીડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં તેણે ચાર અને બીજી ઈનિંગમાં 30 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમત દરમિયાન મોહમ્મદ શમીના બોલર પર હસીબ હમીદે ફટકારેલા શોટને રોકવાની કોશિશમાં તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી.
ટીમ ઈન્ડિયામાંતી કોની થશે હકાલપટ્ટી
ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમના થયેલા કારમા પરાજય ચોથી મેચમાં ટીમ ઈન્ડિયામાં ત્રણથી ચાર બદલાવ થઈ શકે છે. ટીમ ઈન્ડિયામાંથી અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઈશાંત શર્માની બાદબાકી થઈ શકે છે. આ ઉપરાંત બેટિંગમાં નિષ્ફળ જઈ રહેલા વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતની પણ બાદબાકી થઈ શકે છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ કે પૃથ્વી શૉ, રવિચંદ્રન અશ્વીન, ઉમેશ યાદવ તથા રિદ્ધિમાન સાહાને કોહલી મોકો આપી શકે છે.
ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ શરણાગતિ
ભારતની બીજી ઈનિંગ 278 રન પર સમેટાઈ ગઈ હતી. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી લીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પુજારાએ સર્વાધિક 91 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સને સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી.
મેચના પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો, જે ખોટો સાબિત થયો હતો. ભારતની પ્રથમ ઈનિંગ પ્રથમ દિવસે માત્ર 78 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં કેપ્ટન જો રૂટની સદીની મદદથી 432 રન બનાવીને 354 રનની લીડ લીધી હતી.