IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ મેચ ધર્મશાલામાં રમાશે. ટીમ ઈન્ડિયા હાલમાં સીરીઝમાં 3-1થી આગળ છે અને પાંચમી ટેસ્ટ જીતીને ઈંગ્લેન્ડને કારમી હાર આપવાનું પ્લાનિંગ બનાવી રહી છે. જો કે આ સીરીઝ દરમિયાન પીચને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ જીતી હતી, ત્યારે ત્યાંના ભૂતપૂર્વ ક્રિકેટરોએ સ્પિન પિચને લઈને ભારતની ઝાટકણી કાઢી હતી.


ઇંગ્લેન્ડની ટર્નિંગ પીચનો સામનો કરવો પડી શકે છે 
આ પછી, ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને ઇંગ્લેન્ડને પીચો પર પણ વધુ સ્પિન વિના હરાવ્યું અને સીરીઝમાં 3-1થી અજેય સરસાઈ મેળવી. હવે ધર્મશાળાની પીચ કેવી હશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ધર્મશાલામાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી રહી છે કે આ મેચ માટે ટર્નિંગ પીચ તૈયાર કરવામાં આવી છે. ઇંગ્લિશ બેટ્સમેનોને ફરી એકવાર ધીમી ટર્નિંગ પીચનો સામનો કરવો પડી શકે છે.


સ્પિનરોની બોલબાલા જોવા મળી શકે છે 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાંચમી ટેસ્ટમાં ફરી એકવાર સ્પિનર્સનો દબદબો જોવા મળી શકે છે. વાસ્તવમાં, ધર્મશાળામાં હવામાનની સ્થિતિ હાલમાં ખરાબ છે. આગામી કેટલાક દિવસો સુધી ત્યાં વરસાદ પડી શકે છે અને મેચમાં વિઘ્ન પણ આવી શકે છે. અહેવાલો અનુસાર, તેનાથી બચવા અને મેચ ઝડપથી સમાપ્ત કરવા માટે પિચને ધીમી ટર્નર બનાવી શકાય છે. આટલું જ નહીં, કમોસમી વરસાદને કારણે ક્યૂરેટરને પિચ પર વધુ કામ કરવાની તક મળી ના હતી. ક્યૂરેટર ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે એવી અપેક્ષા છે કે, આખરે કઈ પ્રકારની પીચ તૈયાર કરવામાં આવશે.


ધર્મશાળામાં માત્ર એક ટેસ્ટ મેચ રમાઇ 
આ રિપોર્ટ અનુસાર ધીમી ટર્નિંગ વિકેટના કારણે ઈંગ્લેન્ડને ફરી એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અત્યાર સુધી ધર્મશાલામાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. વર્ષ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. આ મેદાન પર પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 300 રહ્યો છે જ્યારે બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 332 રનનો રહ્યો છે. ત્રીજી ઇનિંગમાં સરેરાશ સ્કોર 137 છે, જ્યારે ચોથી ઇનિંગમાં સરેરાશ સ્કોર 106 છે.


ધર્મશાળામાં સ્પિનરોને વધુ વિકેટો લીધી 
ધર્મશાલામાં અત્યાર સુધીની એકમાત્ર ટેસ્ટમાં કુલ 30 વિકેટ પડી હતી. જેમાંથી ઝડપી બોલરોએ 12 અને સ્પિનરોએ 18 વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ સ્પિનરોને મદદ મળી શકે છે. સાથે જ જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમ ઈન્ડિયાને પણ ફાયદો થઈ શકે છે. તેને રાંચીમાં ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. રાંચીમાં જબરદસ્ત ડેબ્યૂ કરનાર આકાશદીપને તક મળે છે કે પછી ટીમ મેનેજમેન્ટ મોહમ્મદ સિરાજ પર વિશ્વાસ વ્યક્ત કરે છે તે જોવું રસપ્રદ રહેશે. રવિચંદ્રન અશ્વિનની આ 100મી ટેસ્ટ મેચ હશે અને તે આ અવસરને ખાસ બનાવવા માંગે છે.