Ranji Trophy 2024: વિદર્ભે 2023-24 રણજી ટ્રોફીની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તેણે બુધવારે પ્રથમ સેમિફાઇનલ મેચમાં મધ્યપ્રદેશને 62 રને હરાવ્યું હતું. આ મેચ માટે યશ રાઠોડને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે વિદર્ભ માટે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. હવે ફાઇનલમાં વિદર્ભનો સામનો મુંબઈ સામે થશે. ફાઈનલ મેચ 10 માર્ચથી રમાશે.






અક્ષય વાડકરની કેપ્ટનશીપમાં વિદર્ભ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ બાદમાં તેણે સારું પ્રદર્શન કરીને જીત મેળવી હતી. વિદર્ભે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 170 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર અથર્વે 39 રનનું યોગદાન આપ્યું હતું. કરુણ નાયરે અડધી સદી ફટકારી હતી. તેણે 105 બોલમાં 63 રન બનાવ્યા હતા. કેપ્ટન અક્ષય માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. એક જ ટીમના ત્રણ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા.






મધ્યપ્રદેશના હિમાંશુની સદી એળે ગઇ


આ દરમિયાન અવેશ ખાને મધ્યપ્રદેશ માટે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 15 ઓવરમાં 49 રન આપીને 4 વિકેટ લીધી હતી. કુલવંત અને વેંકટેશ ઐય્યરે 2-2 વિકેટ લીધી હતી. મધ્યપ્રદેશે પ્રથમ દાવમાં 252 રન બનાવ્યા હતા. તેના માટે હિમાંશુ મંત્રીએ સદી ફટકારી હતી. તેણે 265 બોલમાં 126 રન બનાવ્યા હતા. જોકે તેની સદી ટીમને મદદ કરી શકી ન હતી. આ દરમિયાન વિદર્ભ તરફથી ઉમેશ યાદવે 3 વિકેટ ઝડપી હતી. યશ ઠાકુરને પણ 3 વિકેટ મળી હતી.


વિદર્ભે પ્રથમ દાવની નબળી રમત બાદ બીજા દાવમાં વાપસી કરી હતી. ઓલઆઉટ થતાં સુધી ટીમે 402 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશ રાઠોડે સદી ફટકારી હતી. તેણે 200 બોલનો સામનો કરીને 141 રન બનાવ્યા હતા. યશની આ ઇનિંગમાં 18 ફોર અને 2 સિક્સ સામેલ હતી. અક્ષયે 139 બોલનો સામનો કરીને 77 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. અમાને 59 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મધ્યપ્રદેશની ટીમ બીજી ઇનિંગમાં 258 રન જ બનાવી શકી હતી. આ રીતે તેને 62 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.