IND vs ENG, 5th Test: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એજબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ જારી રહ્યું હતું. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં 11 રન બનાવ્યા હતા જ્યારે તે બીજી ઇનિંગમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, ઇંગ્લેન્ડની બાર્મી આર્મીએ વિરાટ કોહલીને નિશાને લીધો અને તેની વિરુદ્ધ ‘Cheerio Cheerio' ના નારા લગાવ્યા.
વિરાટ કોહલીને નિશાન બનાવતા બર્મી આર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બર્મી આર્મીએ વિરાટ કોહલી વિરુદ્ધ ચીયરિયોના નારા લગાવ્યા હતા. તેનો અર્થ એક રીતે ગુડબાય કહેવાનો છે.
જોકે, વિરાટ કોહલી અને બર્મી આર્મી વચ્ચે ખાટા અને મીઠા સંબંધો રહ્યા છે. બાર્મી આર્મીએ 2017-18માં વિરાટ કોહલીને બેસ્ટ ઈન્ટરનેશનલ પ્લેયરના એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. પરંતુ આ પહેલા પણ બર્મી આર્મી ઘણી વખત વિરાટ કોહલીને નિશાન બનાવી ચૂકી છે.
ત્રીજા દિવસે શું થયું
ત્રીજા દિવસની રમતના અંતે ભારતે તેની બીજી ઈનિંગમાં 3 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. પુજારા 50 અને પંત 30 રને રમતમાં હતા. ગિલ 4 રન. વિહારી 11 રન અને કોહલી 20 રન બનાવી આઉટ થયા હતા. એન્ડરસન, બ્રોડ, સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી. આ પહેલા ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે બેયરસ્ટોના 106 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 284 રન બનાવ્યા હતા. ભારત તરફથી સિરાજે 4, બુમરાહે 3, શમીએ 2 તથા ઠાકુરે 1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં ભારતને 132 રનની લીડ મળી હતી.
બીજા દિવસે શું થયું
પાંચમી ટેસ્ટના બીજા દિવસે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 5 વિકેટના નુકસાન પર 84 રન બનાવ્યા હતી. વરસાદની આવન-જાવન વચ્ચે રમાયેલી બીજા દિવસની રમતમાં ભારતે પ્રભુત્વ જમાવ્યું હતુ. કેપ્ટન બુમરાહે આક્રમક બેટિંગ બાદ અસરકારક બોલિંગનો પરચો દેખાડતાં ઈંગ્લેન્ડના ટોચના ત્રણેય બેટસમેનોની વિકેટ ઝડપતાં તેમના પર દબાણ સર્જ્યું હતુ. રૂટ 31 રને સિરાજનો અને નાઈટવોચમેન તરીકે ઉતરેલો લીચ ૦ પર શમીનો શિકાર બનતાં ઈંગ્લેન્ડ 83/5 પર ફસડાયું હતુ. બેયરસ્ટો (12)ની સાથે કેપ્ટન સ્ટોક્સ (0) ક્રિઝ પર હતો. ઈંગ્લેન્ડ હજુ 332 રન પાછળ છે.ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીમાં ચાર ટેસ્ટ બાદ ભારત 2-1થી સરસાઈ ધરાવે છે.
ભારતે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 416 રન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસ ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી પંતે 146, જાડેજાએ 104 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 5, પોટ્સે 2, બ્રોડ, સ્ટોક્સ અને રૂટે 1-1 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગ આપી
એજબેસ્ટોનમાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારત ગત વર્ષે અધુરી રહેલી શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટ રમવા માટે ઈંગ્લેન્ડ સામે ઉતર્યું હતુ. ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડે વરસાદી વાતાવરણનો ફાયદો ઉઠાવ્યો હતો. એન્ડરસને ભારતના બંને ઓપનરો ગિલ (17 રન) અને પુજારા (13 રન)ને પેવેલિયન ભેગા કરી દીધા હતા. માત્ર 46ના સ્કોર પર ભારતે બે વિકેટ ગુમાવતા મીડલ ઓર્ડર પર દબાણ સર્જાયું હતુ. જે બાદ હનુમા વિહાર (20 રન), વિરાટ કોહલી (11 રન), શ્રેયસ ઐયર (15 રન) બનાવી આઉટ થતાં ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 98 રન થઈ ગયો હતો.
પંત-જાડેજા વચ્ચે છઠ્ઠી વિકેટમાં 222 રનની ભાગીદારી
વિકેટકિપર પંત અને ગુજરાતી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી ઈંગ્લેન્ડની ભારતને સસ્તામાં આઉટ કરવાની આશા પર પાણી ફેરવ્યું હતું. વિકેટકિપર બેટ્સમેન પંતની કારકિર્દીની પાંચમી સદી (111 બોલમાં 146 રન) અને જાડેજા (84*) સાથેની તેની પાંચમી વિકેટની 222 રનની ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 338 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને 3, પોટ્ટસે 2 તથા કેપ્ટન સ્ટોક્સે 1 વિકેટ લીધી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે
ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ: બેન સ્ટોક્સ (કેપ્ટન) એલેક્સ લીઝ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, સૈમ વિલિંગ્સ, મેથ્યૂ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ અને જેમ્સ એન્ડરસન.