India vs England Test Series Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી આજે સમાપ્ત થઈ છે, ધર્મશાલામાં રમાયેલી છેલ્લી ટેસ્ટ ભારતે જીતી લીધી છે. આ શ્રેણીમાં આર અશ્વિને 500 ટેસ્ટ વિકેટ અને જેમ્સ એન્ડરસને 700 ટેસ્ટ વિકેટના આંકડાને સ્પર્શ કર્યો હતો. પરંતુ હવે આ શ્રેણીમાં 147 વર્ષથી અડીખમ રહેલો રેકોર્ડ તુટી ગયો છે. અત્યાર સુધીની આ શ્રેણી ઘણી ઐતિહાસિક રહી છે.


 






વાસ્તવમાં 147 વર્ષ જૂના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પહેલી એવી સિરીઝ બની હતી જેમાં 100 સિક્સ પૂરી થઈ હતી. આ સિક્સર પૂરી કરવામાં ભારતીય બેટ્સમેનોની મોટી ભૂમિકા હતી, જેમણે અંગ્રેજ બોલરોને એક રીતે રિમાન્ડ પર લીધા હતા. આ ટેસ્ટ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે.


ઈંગ્લેન્ડ શ્રેણીમાં નિષ્ફળ રહ્યું 


પ્રવાસી ઇંગ્લેન્ડ આ શ્રેણીમાં યજમાન ભારત સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. ઇંગ્લેન્ડ દરેક વિભાગમાં ભારત સામે વામણું લાગતું હતું. ઈંગ્લેન્ડે સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ એવી વાપસી કરી કે ઈંગ્લેન્ડ માટે કોઈ તક જ છોડી દીધી. હૈદરાબાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 28 રને જીત મેળવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. પરંતુ આ પછી તેને ચારેય ટેસ્ટમાં હાર મળી હતી.


ભારતે 4-1થી શ્રેણી પર કબજો કરી લીધો


હૈદરાબાદ પછી, શ્રેણીની બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી, જેમાં ભારતે 106 રનથી જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ત્યારબાદ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતે 434 રનથી જીત મેળવી શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ પછી, રોહિત શર્માની કપ્તાનીમાં રાંચીમાં રમાયેલી શ્રેણીની ચોથી ટેસ્ટમાં ભારતે 5 વિકેટે જીત મેળવી અને શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી. આ રીતે ભારતે ચોથી ટેસ્ટ સુધી શ્રેણી જીતી લીધી હતી. જ્યારે આજે ધર્મશાલામાં ભારતીય ટીમે એક ઈનિંગ અને 64 રને ટેસ્ટ જીતી લીધી છે. આમ ભારતે 4-1થી શ્રેણી પર કબજો કરી લીધો છે.


ભારતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરીઝ 4-1થી જીતી લીધી છે. ધર્મશાળામાં રમાઈ રહેલી છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઘાતક બોલિંગના આધારે મોટી ઈનિંગમાં જીત નોંધાવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આખી ટીમ પ્રથમ દાવમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની સદીની ઇનિંગ્સના કારણે ભારતે 477 રન બનાવ્યા અને 259 રનની લીડ લીધી. ઈંગ્લેન્ડની ભારતીય બોલિંગ ટીમ બીજા દાવમાં માત્ર 195 રન જ બનાવી શકી હતી.