IND Vs ENG 3rd Test Match: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટી રાહત મળી છે. સ્ટાર ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે અને તે પિંક બોલ ટેસ્ટ રમવા માટે પૂરી રીતે તૈયાર છે. ઉમેશ યાદવને કુલદીપ યાદવના સ્થાન પર પ્લેઇંગ 11માં સ્થાન મળી શકે છે. બીસીસીઆઈએ નિવેદન બહાર પાડીને ઉમેશ યાદવે ફિટનેસ ટેસ્ટ પાસ કરવાની જાણકારી આપી છે.

બીસીસીઆઈએ કહ્યું કે, “ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે મોટેરામાં ફિટનેસ ટેસ્ટ માટે હાજર છે. તેણે પોતાની ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરી લીધી છે અને હવે તેને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝની અંતિમ બે ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.”

ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાની સાથે હતો. પરંતુ બીજી ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત થયો હતો અને તેને ભારત પરત ફરવું પડ્યું હતું. ઇજાગ્રસ્ત થવાને કારણે ઉમેશ યાદવને પ્રથમ બે ટેસ્ટ માટે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. પરંતુ ઉમેશ યાદવને હવે શાર્દુલ ઠાકુરના સ્થાન પર ટીમમાં સ્થાન મળ્યું છે.

ઉમેશ યાદવને છે પિંક બોલનો અનુભવ

ઉમેશ યાદવનું ભારતમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ઉમેશ યાદવે 48 ટેસ્ટ મેચ રમતા 148 વિકેટ લીધી છે. સૌથી ખાસ વાત એ છે કે ઉમેશ યાદવ અત્યાર સુધી ટીમ ઇન્ડિયા દ્વારા રમાયેલ બન્ને ડે નાઇટ ટેસ્ટમાં પ્લેઇનિંગ 11નો ભાગ રહ્યો છે.

ઇંગ્લેન્ડ અને ભારતની વચ્ચે રમાઈ રહેલ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 1-1થી બન્ને ટીમ બરાબરી પર છે. ચેન્નઈમાં બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચ ઇંગ્લેન્ડને જીતી હતી જ્યારે બીજી મેચમાં ભારતની જીત થઈ હતી. ત્રીજી ટેસ્ટ આજથી રમાશે, જે આ બન્ને ટીમોની વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે.