ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પે શુક્રવારે કહ્યું કે, વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો ભારત વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ સીરીઝના પ્રથમ મેચ બાદ ટીમ સાથે જોડાશે. બેયરસ્ટોને શરૂમાં ચાર ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ થોર્પે કહ્યું કે, તે ચેન્નઈમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ હશે.


થોર્પે શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, તે પ્રથમ ટેસ્ટ બાદ ટીમમાં જોડાઈ જશે. બેયરસ્ટોને આમ તો બીજી ટેસ્ટ બાદ ટીમ સાથે જોડાવવાનું હતું પરંતુ હવે તેના કાર્યક્રમમાં ફેરફાર થયો છે.

પ્રથમ બે ટેસ્ટ માટે બેયરસ્ટોને આરામ આપવાના ઇંગ્લેન્ડના નિર્ણયની અનેક પૂર્વ ખેલાડીઓએ ટીકા કરી હતી. તે શ્રીલંકામાં પોતાની છેલ્લી સીરીઝ દરમિયાન કેપ્ટન જો રૂટ બાદ ઇંગ્લેન્ડ માટે બીજી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતા. બેયરસ્ટોએ બે ટેસ્ટ મેચની સીરીઝમાં 46.33ની સરેરાશથી ચાર ઇનિંગમાં 139 રન બનાવ્યા હતા.

ફાસ્ટ બોલર માર્ક વુડે અને સ્ટાર ખેલાડી સેમ ક્યૂરેની સાથે બેયરસ્ટોને ઇંગ્લેન્ડની રોટેશન સિસ્ટના આધારે પ્રથમ બે ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે પહેલા નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, હું આ સિસ્ટમથી પૂરી રીતે ખુશ છું. હાલમાં અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. હું તેની સાથે ઉભો છું.